Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

નવા સાંસદ ભવનનું નિર્માણ હાલની ઇમારત નજીક 9.5 એકર જમીન ઉપર કરાશેઃ 1 હજાર કરોડની બચત થશેઃ હેરિટેજ સ્‍ટ્રકચરનો નષ્‍ટ નહીં કરાયઃ કેન્‍દ્ર સરકારની સુપ્રિમમાં દલીલ

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં 20 હજાર કરોડ રૂપિયાના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો બચાવ કરતા દલીલ કરી છે કે, નવું સંસદ ભવન અને કેન્દ્રીય સચિવાલયના ભવનના નિર્માણમાં કોઈ પણ હેરિટેજ સ્ટ્રક્ચરને નષ્ટ નહીં કરવામાં આવે. આટલું જ નહીં વૃક્ષોને પણ નહીં કાપવામાં આવે. વર્તમાનમાં જે સંસદ ભવન છે, તે જરૂરિયાત પ્રમાણે યોગ્ય નથી અને સુરક્ષિત પણ નથી.

સુપ્રીમ કોર્ટમાં સોગંધનામુ દાખલ કરીને સેન્ટ્રલ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (CPWD)એ જણાવ્યું કે, “નવા સંસદ ભવનનું નિર્માણ હાલની ઈમારતની નજીક 9.5 એકર જમીન પર બનાવવામાં આવશે. નવી પરિયોજના અંતર્ગત તમામ 51 મંત્રાલયો 10 ઈમારતોમાં હશે. હાલ કેન્દ્રીય સચિવાલય 47 ઈમારતો અને ઘરોમાં આવેલા છે.

39 મંત્રાલયો હાલના સેન્ટ્રલ વિસ્ટા વિસ્તારમાં છે, જ્યારે 12 મંત્રાલય તેની બહાર છે. નવી પરિયોજના અંતર્ગત અનેક મંત્રાલયોમાં અવર-જવર માટે ત્રણ કિમી લાંબો રસ્તો પ્રસ્તાવિત છે. જેને હાલના ઉદ્યોગ ભવન અને કેન્દ્રીય સચિવાલ મેટ્રો સ્ટેશન સાથે જોડી દેવામાં આવશે.

નવા પ્રોજેક્ટથી દરવર્ષે 1 હજાર કરોડની બચત

CPWDએ જણાવ્યું કે, 20 હજાર કરોડ રૂપિયાનું રોકાણ તાત્કાલિક નથી કરવામાં આવી રહ્યું, પરંતુ 6 વર્ષમાં થવાનું છે. આ પ્રોજેક્ટથી વર્ષે અંદાજે 1 હજાર કરોડ રૂપિયાની બચત થશે. જે હાલ ભાડા પેટે ખર્ચ થઈ રહી છે. આ પ્રોજેક્ટથી કાર્યક્ષમતા વધશે. આ સાથે તમામ મંત્રાલયો એક જ સ્થળ હોવાથી કામકાજમાં પણ સરળતા રહેશે. સેન્ટ્રલ વિસ્ટામાં બનનાર 10 ઈમારતોમાં 51 મંત્રાલયોનો સમાવેશ કરવામાં આવશે.

નવા સંસદ ભવનના નિર્માણમાં ભવિષ્યની જરૂરિયાતને ધ્યાનમાં રખાશે

નવા સંસદ ભવનના નિર્માણની જરૂરિયાત જણાવતા CPWDએ જણાવ્યું કે, હાલ સંસદ ભવનમાં વધુ સભ્યોનો સમાવેશ નથી થઈ શકતો. 2026 બાદ સાંસદોની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે. નવી લોકસભા ચેમ્બરમાં 876 સભ્યોની વ્યવસ્થા હશે અને સંયુક્ત સત્ર હોવાની સ્થિતિમાં 1224 સભ્યો સમાવી શકાશે. જ્યારે નવી યોજનામાં રાજ્યસભા ચેમ્બરમાં 400 સભ્યોને બેસવાની વ્યવસ્થા કરવામાં આવશે.

સોગંધનામામાં CPWDનું કહેવું છે કે, હાલની સંસદ ભવનની ઈમારત 100 વર્ષ જૂની છે. આ ઉપરાંત તે હાલની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં સક્ષમ નથી. આ સાથે જ ભૂકંપ અને આગ સામે સુરક્ષા પણ ચિંતાનો વિષય છે, કારણ કે હાલની ઈમારત તે બન્નેનો સામનો કરવા માટેના જરૂરી માપદંડો મુજબ નથી. વર્તમાન ઈમારતમાં વ્યાપક પ્રમાણમાં ફેરફાર કરવાની જરૂરિયાત છે અને તે આ ઈમારતને ખાલી કર્યા વિના અશક્ય છે.

ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ ભવનથી લઈને ઈન્ડિયા ગેટ વચ્ચેની ઈમારતોનો રિ-ડેવલોપમેન્ટ થવાનું છે. સરકારે 20 માર્ચે 20 હજાર કરોડ રૂપિયાના ખર્ચે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ માટે લેન્ડ યૂઝમાં બદલાવને લઈને નોટિફિકેશન ઈસ્યૂ કર્યું હતુ. સુપ્રીમ કોર્ટે આ પ્રોજેક્ટ પર રોક લગાવવાની મનાઈ ફરમાવી હતી.

(5:29 pm IST)