Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

ઘરમાં જ નમાજ પઢવી,પ્રતીકાત્મક કુરબાની કરે,પશુની ખરીદી ઓનલાઇન : મહારાષ્ટ્રમાં બકરી ઈદ માટે ગાઇડલાઇન જાહેર

તમામ કન્ટેનમેન્ટ વિસ્તારોમા નિયમોનું કડકપણે પાલન કરાશે.બકરી ઇદના પ્રસંગે પણ આ વિસ્તારોમાં કોઇ છૂટ નહીં રહે.

મુંબઇઃ કોરોના મહામારી વચ્ચે ઇદની જેમ દેશમાં બકરી ઇદ પણ ઉજવાય તેવી સંભાવના છે. ભારતમાં સૌથી અસરગ્રસ્ત રાજ્ય મહારાષ્ટ્રે બકરી ઇદ માટેની ગાઇડલાઇન પણ જારી કરી દીધી. જેમાં લોકોને મસ્જીદ કે ઇદગાહને બદલે ઘરોમાં જ ઇદ ઉલ અઝહાની નમાજ અદા કરવાની અપીલ કરવામાં આવી છે. ઉપરાંત લોકોને પશુઓને બદલે પ્રતિકાત્મક કુરબાનીનું સુચન કરવામાં આવ્યું છે. ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં બુધવારે 22 જુલાઇએ ચાંદ દેખાતા પહેલી ઓગસ્ટે બકરી ઇદ ઉજવાશે.

ગાઇડલાઇનમાં શું કહેવામાં આવ્યું છેમસ્જીદ, ઇદગાહ કે જાહેર સ્થળોને બદલે ઘરોમાં જ નમાજ પઢવી.પશુ બજાર પણ બંધ રહેશે, કોઇને પશુની ખરીદી કરવી હોય તો ઓનલાઇન કે ફોન પર કરી શકાશે.સંભવ હોય તો લોકો આ વખતે પ્રતિકાત્મક કુરબાની કરે. તમામ કન્ટેનમેન્ટ વિસ્તારોમા નિયમોનું કડકપણે પાલન કરાશે.બકરી ઇદના પ્રસંગે પણ આ વિસ્તારોમાં કોઇ છૂટ નહીં રહે.

 

નોંધનીય છે કે મહામારીને કારણે પહેલેથી જ દેશભરમાં તમામ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ લદાયેલો છે. ઉપરાંત ધાર્મિક તહેવારો પણ સાદગીપૂર્ણ રીતે ઉજવવા અપીલ કરવામાં આવી રહી છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં 39172 નવા કેસ નોંધાયા, તેમાંથી સૌથી વધુ મહારાષ્ટ્રમાં 8336 દર્દી મળ્યા જ્યારે દેશમાં 648 લોકોનાં મેત થયા. હવે કુલ સંક્રમિતોની સંખ્યા 11,92,915 થઇ ગઇ છે. જેમાંથી 4,11,133 કેસ એકટિવ છે. અત્યાર સુધી 28,732 લોકોનાં મોત થઇ ગયા છે.

આ વર્ષે કોરોના સંકટ અને શ્રાવણ મહીનાને ધ્યાનમાં રાખીને ઉત્તરપ્રદેશની યોગી સરકારે બકરીઈદ અને જાનવરોની કુરબાની માટે ગાઈડલાઈન જાહેર કરી છે. સરકારે કોરોના સંક્રમણની બીકથી ધાર્મિક સ્થળોને પણ આદેશ આપ્યા છે. આ આદેશ પ્રમાણે, કોઈ પણ ધાર્મિક સ્થળમાં સામૂહિક રીતે ભી઼ડ એકઠી ન થવી જોઈએ.

(10:27 pm IST)