Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

રાજકોટમાં આજે ૧૪ મોત

૧૪ દિવસમાં ૨૦૫ના મરણાંકથી માતમ

રાજકોટ તા. ૨૨: કોરોનાની મહામારીને મ્હાત કરવા જગત આખુ મથી રહ્યું છે. રસી શોધાઇ ગયાના દાવાઓ વચ્ચે કાળમુખા કોરોનાએ લોકોના જીવ લેવાનું ચાલુ જ રાખ્યું છે. રાજકોટમાં રોજબરોજ થઇ રહેલા મૃત્યુઆંકમાં આજે પણ વધારો થયો છે. સિવિલ હોસ્પિટલ કોવિડ કેર સેન્ટરમાં વધુ ૧૪ દર્દીઓના મોત થયા છે. જેમાં રાજકોટ શહેરના છ દર્દીઓનો સમાવેશ થાય છે.

જાણવા મળ્યા મુજબ સિવિલ હોસ્પિટલ કોવિડ કેર સેન્ટરમાં સારવાર લઇ રહેલા દર્દીઓ પૈકીના ૧૪ દર્દીના મોત થયા છે. શહેરમાં રોજ બરોજ પોઝિટિવ દર્દીઓની સંખ્યા પણ વધતી જઇ રહી છે અને મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. આ કારણે લોકો સતત ફફડાટમાં છે. જે દર્દીઓએ દમ તોડી દીધો છે તેમાં રાજકોટ શહેરના ૦૬, જીલ્લાના-૦૨, મોરબી-૦૧, જુનાગઢ-૦૧, સુરેન્દ્રનગર-૦૧ તથા પોરબંદરના ૦૧ દર્દીનો સમાવેશ થાય છે.

આ સાથે છેલ્લા ૧૪ દિવસનો મૃત્યુઆંક ૨૦૫ થયો છે. અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર પોઝિટિવ રિપોર્ટ આવે તે દર્દીઓના લિસ્ટ જાહેર કરતું હતું.  આ લિસ્ટ જાહેર કરવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. એ પછી સિવિલ હોસ્પિટલમાંથી મૃતકોના નામ આપવાનું પણ બંધ કરવામાં આવ્યું છે. ઉપરથી આવેલી સુચના અંતર્ગત આ નિયમનો અમલ શરૂ થયો છે. સિવિલ હોસ્પિટલ કોવિડ કેર સેન્ટરમાં સતત તબિબો, નર્સિંગ સ્ટાફ અને અન્ય સ્ટાફની ટીમો દર્દીઓની સેવામાં અવિરત હોય છે.

તમામ મૃતદેહોને અંતિમવિધી, દફનવિધી માટે હોસ્પિટલ તંત્ર તરફથી ફાયર બ્રિગેડની ટીમોને સોંપવામાં આવ્યા હતાં.

(2:34 pm IST)