Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

૩ ટન ગ્લવ્ઝ સાથે ટોળી ઝડપાઇ

નવી મુંબઇમાંથી સર્જિકલ હેંડ ગ્લવ્ઝને ધોઇને ફરી વેંચવાના કૌભાંડનો પર્દાફાશ

મુંબઇ,તા. ૨૨: નવી મુંબઈમાં એકવખત ઉપયોગમાં લેવાયેલા હેન્ડ ગ્લવ્ઝને ધોઈને ફરી બજારમાં વેચવાનું કૌભાંડ ઝડપાયું. જપ્ત કરવામાં આવેલા કુલ હેન્ડ ગ્લવ્ઝની કિંમત આશરે રૂપિયા ૬ લાખ હોવાનું જાણવા મળ્યું છે.

 મહારાષ્ટ્રની નવી મુંબઈમાં ક્રાઈમ બ્રાન્ચે એક એવી ગેંગને ઝડપી લીધી છે કે જેઓ એક વખત વપરાશ થઈ ચૂકેલા સર્જિકલ હેન્ડ ગ્લવ્ઝને ધોઈને ફરી વેચતા હતા. પોલીસની રેડમાં તે ગોદામમાંથી આ પ્રકારના ૩ ટન હેન્ડ ગ્લવ્ઝ જપ્ત કરવામાં આવ્યા છે. નવી મુંબઈ ક્રાઈમ બ્રાંચ આ મુદ્દે વધુ તપાસ કરી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ ગેંગનો મુખ્ય આરોપી વોશિંગ મશીન દ્વારા એક વખત વપરાશ થઈ ચૂકેલા હેન્ડ ગ્લવ્ઝને ધોઈ નાખતો હતો, ત્યારબાદ આ હેન્ડ ગ્લવ્ઝને ડ્રાયરની મદદથી સૂકવીને તે ફરી એકવખત પેક કરીને બજારમાં વેચતો હતો. આ ગોદામમાંથી જપ્ત કરવામાં આવેલા કુલ હેન્ડ ગ્લવ્ઝની કિંમત આશરે રૂપિયા ૬ લાખ હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર અહીં ગોદામમાંથી જે પ્રકારે ભારે માત્રામાં સર્જિકલ હેન્ડ ગ્લવ્ઝ મળી આવ્યા છે તે જોતા એવું લાગી રહ્યું છે કે આ હેન્ડ ગ્લવ્ઝને હોસ્પિટલ્સ અને અન્ય મેડિકલ સંસ્થાઓમાંથી ખરીદવામાં આવ્યા હશે. આ હેન્ડ ગ્લવ્ઝને ચેક કરવામાં આવતા હતા, ત્યારબાદ તે વોશિંગ મશીનમાં ધોઈને-સૂકવ્યા બાદ ફરી પેક કરવામાં આવતા હતા. આ હેન્ડ ગ્લવ્ઝને સાફ કરવા માટે જે કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો હતો તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

અહીં નોંધનીય છે કે કોરોના વાયરસની મહામારી દરમિયાન હેન્ડ ગ્લવ્ઝની માગમાં વધારો થયો છે. લોકો બહાર નીકળે ત્યારે મોં પર માસ્ક સહિત હેન્ડ ગ્લવ્ઝ પહેરવાનો આગ્રહ રાખે છે. તેવામાં આ પ્રકારનું ઉપયોગ થઈ ચૂકેલા હેન્ડ ગ્લવ્ઝને ફરી બજારમાં વેચવાનું કૌભાંડ ચોંકાવનારું છે.

(10:02 am IST)