Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

બિહારમાં નવતર કૌભાંડ

૬૫ વર્ષની મહિલાએ ૧૪ મહિનામાં આઠ બાળકીઓને જન્મ આપ્યો

પાંચ મહિનામાં ૪ બાળકીને જન્મ

મુઝફ્ફરપુર,તા.૨૨: બિહારના મુઝફ્ફપુરમાં સરકારી યોજનામાં ઘોટાળાનો એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. અહીં ૬૫ વર્ષીય એક મહિલાએ ૧૪ મહિનામાં આઠ બાળકીઓને જન્મ આપ્યો છે. મેડિકલ સાયન્સ માટે આ અશકય છે પરંતુ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનના કૌભાંડમાં કાગળ પર આ શકય બન્યું છે. આખો ખેલ બાળકીઓના જન્મ પર મળનારી રકમ મેળવવાનો છે.

મળતી જાણકારી પ્રમાણે આ કેસ મુઝફ્ફરપુર જિલ્લાના મુશહરી પ્રખંડનો છે. સરકારી રકમ મેળવવા માટે વચેટીયાઓએ જે દસ્તાવેજો કાર્યાલયમાં જમા કરાવ્યા છે તે આશ્યર્યજનક છે. જેમાં ૬૫ વર્ષીય મહિલાએ ફકત ૧૪ મહિનામાં આઠ બાળકીઓને જન્મ આપ્યો છે. મિશનના અધિકારી અને બેંકના સીએસપી આ આધારહીન દસ્તાવેજ પર એક વૃદ્ઘ મહિલાને પ્રોત્સાહન રમક પણ મોકલતા રહ્યા. જે મહિલાઓના નામ, એડ્રેસ તથા એકાઉન્ટ નંબરનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે મહિલાઓને આની કોઈ જાણ પણ નથી. આ કૌભાંડમાં મુશહરી પીએચસીના ઘણા કર્મચારીઓ સામેલ છે.

મુસહરી પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર પ્રભારી ઉપેન્દ્ર ચૌધરીએ આ મામલે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં એફઆરઆઈ નોંધાવી છે અને ત્યારબાદ આખી ઘટના સામે આવી હતી. ઉપેન્દ્ર ચૌધરીએ જણાવ્યું હતું કે આ અવિશ્વસનીય છે. ૬૫ વર્ષીય લીલા દેવીએ ૧૪ મહિનામાં આઠ બાળકીઓને જન્મ આપ્યો, એવા કાગળો દેખાડવામાં આવ્યા છે અને તેના બદલે બાળકીઓના જન્મ પર સરકાર તરફથી મળનારી પ્રોત્સાહન રકમ પણ આપવામાં આવી છે. પ્રત્યેક બાળકીના જન્મ માટે ૧,૪૦૦ રૂપિયા લીલા દેવીના કથિત ખાતામાં જમા કરાવવામાં આવ્યા છે અને લાભાર્થી દ્વારા રૂપિયા ઉપાડી પણ લેવામાં આવ્યા છે.

રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય મિશનના રેકોર્ડનું માનવામાં આવે તો શાંતિ દેવીએ નવ મહિનામાં પાંચ બાળકીઓ, સોનિયા દેવીએ પાંચ મહિનામાં ચાર બાળકીઓને જન્મ આપ્યો છે. જયારે આ અંગે આ મહિલાઓને વાત કરવામાં આવી તો તે ગભરાઈ ગઈ. તેમણે પોતાની ઉંમર અને બાળકોની જાણકારી આપતા કહ્યું છે કે કોઈ બાળકને જન્મ આપ્યાની વાતને વર્ષો થઈ ગયા હશે.

જિલ્લા મેજિસ્ટ્રેટ ચંદ્રશેખર સિંહે ગોટાળાની નોંધ લેતા ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યા છે. જિલ્લા કલેકટર રાજેશ કુમારની અધ્યક્ષતાવાળી તપાસ સમિતિએ નોંધ્યું છે કે પ્રથમ દ્રષ્ટીએ આ ગોટાળાના આરોપ સાચા છે. તેમણે કહ્યું છે કે તપાસ બાદ દોષિતો વિરુદ્ઘ કાર્યવાહી કરવામાં આવશે.

(10:03 am IST)