Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

કોરોનાએ મધ્યમ વર્ગને પડયા પર પાટુ માર્યુ

વોલ સ્ટ્રીટ જર્નલનો ચોંકાવનારો અહેવાલ : સંક્રમણ પહેલા જ આ વર્ગની હાલત ખરાબ હતી અને હવે કોરોનાએ કમ્મર તોડી નાખી : મધ્યમ વર્ગ જ ઇકોનોમીનું એન્જીન હતું : આ વર્ગની તાકાતથી જ ભારત દોડી રહ્યું હતું : અર્થતંત્રને ભયાનક ફટકો પડયો

નવી દિલ્હી તા. ૨૨ : અમેરિકી અખબાર વોલ સ્ટ્રીટ જર્નલમાં પ્રકાશિત એક રિપોર્ટમાં જણાવાયું છે કે ભારતીય મધ્યમ વર્ગ કોરોના વાયરસના સંક્રમણની પહેલા જ મુશ્કેલીમાં હતો અને કોરોનાએ તેઓની કમ્મર સંપૂર્ણ રીતે તોડી નાખી છે. રિપોર્ટમાં જણાવાયું છે કે થોડા વર્ષ પહેલા સુધી ભારતીય મધ્યમ વર્ગ ઇકોનોમીનું એન્જીન હતા અને તેના આધારે તેની તાકાતથી જ ભારતીય અર્થવ્યવસ્થા વિશ્વમાં સૌથી ઝડપથી આગળ વધતી ઇકોનોમી બની હતી.

પરંતુ હવે સ્થિતિ બદલાઇ ગઇ છે. કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે કડક લોકડાઉન લગાવાયું હતું. એવામાં હાલ તુરંત ૮ થી ૯ ટકા જીડીપી વિકાસદર મેળવવો સંભવ નથી. રિપોર્ટમાં જણાવાયું છે કે કોવિડ-૧૯ મહામારી આવી તે પહેલા જ ભારતીય ઇકોનોમી સંઘર્ષ કરી રહી હતી અને ગયા વર્ષે જીડીપીનો દર ૪.૨ ટકા રહ્યો જે ૩ વર્ષ પૂર્વે ૮ ટકાથી વધુ હતો પણ ઇકોનોમીને પાટા પર લાવવાની આશા પર કોરોના મહામારીએ પાણી ફેરવી દીધું.

ઓટોથી લઇને શેમ્પુ સુધીનાનું વેચાણ પહેલા કરતા ઘટી ગયું છે અને તે સતત ઘટી રહ્યું છે. જુન કવાર્ટરમાં સ્માર્ટફોનનું શીપમેન્ટ ગત વર્ષની તુલનામાં ૫૧ ટકા તૂટયું છે. આ દરમિયાન દુનિયામાં આ ઘટાડો આનાથી અડધો રહ્યો છે. લોકડાઉનને કારણે સમગ્ર દેશમાં આર્થિક પ્રવૃત્તિ ઠપ્પ થઇ ગઇ હતી અને જુન કવાર્ટરમાં જીડીપીમાં ગત વર્ષ કરતા ૨૦ ટકાનો ઘટાડો આવી શકે છે. તમામ પ્રકારની ચીજ-વસ્તુના ભાવ ઘટયા છે. અનેક મામલામાં તો તે એશિયાના કેટલાક દેશથી પણ ખરાબ છે.

મેકડોનાલ્ડઝનું વેચાણ છેલ્લા કવાર્ટરમાં ૭૫ ટકા ઘટયું જ્યાં વિશ્વના બાકી હિસ્સામાં તે ૨૪ ટકા હતું. જાપાનની સુઝુકી મોટરે કહ્યું છે કે જુન કવાર્ટરમાં તેના વેચાણમાં ૮૩ ટકાનો ઘટાડો આવ્યો. જ્યારે જાપાનમાં આ ઘટાડો ૨૮ ટકા હતો. નીલસનના સર્વે મુજબ સમગ્ર એશિયામાં બેઝીક કન્ઝયુમર ગુડઝના વેચાણમાં સૌથી વધુ ઘટાડો ભારતમાં સૌથી વધુ ઘટાડો ભારતમાં આવ્યો છે. ભારતમાં આ વર્ષના પ્રથમ ૫ માસમાં શેમ્પુ અને સ્નેકસ (નાસ્તા)ના વેચાણમાં ૮ ટકાનો ઘટાડો આવ્યો. જ્યારે ચીન અને ઇન્ડોનેશિયામાં તેમાં વધારો થયો. જ્યારે મલેશિયા અને વિયેટનામમાં તેમાં ૧ ટકાનો ઘટાડો નોંધાયો.

આ જ પ્રકારે પ્રથમ કવાર્ટરમાં સોનાના ઘરેણાના વેચાણમાં ૭૪ ટકાનો ઘટાડો નોંધાયો. જ્યારે વિશ્વમાં આ ઘટાડો ૫૩ ટકા હતો. વ્યાજદરમાં ઘટાડો છતાં બચત વધી છે. ભારતમાં રિટેલ - મનોરંજન લોકેશન આસપાસ પ્રવૃત્તિ પહેલા કરતા ૫૫ ટકા ઓછી છે. હાલના મહિનામાં મોટાભાગના દેશોમાં તે વધી છે. અમેરિકામાં તે ૧૮ ટકા ઘટી છે તો બ્રાઝીલમાં ૩૦ ટકા અને મેકિસકોમાં ૩૧ ટકા ઘટી છે.

(11:07 am IST)