Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

ભારતે ચીનને આપ્યો ઝટકોઃ રેલ્વેએ ૪૪ વંદે ભારત ટ્રેનોનું ટેન્ડર કર્યુ રદ

એક અઠવાડિયામાં એક નવું ટેન્ડર બહાર પાડશે અને કેન્દ્રનાં ' મેક ઇન ઇન્ડિયા' કાર્યક્રમને પસંદ કરવામાં આવશે

નવી દિલ્હી, તા.૨૨: ભારતે ૪૪ સેમી હાઇ સ્પીડ 'વંદે ભારત' ટ્રેનોનાં નિર્માણ ટેન્ડરને રદ્દ કર્યું છે. રેલ્વે મંત્રાલયે શુક્રવારે રાત્રે આ માહિતી આપી હતી. ગયા મહિને ટેન્ડર ખોલવામાં આવ્યા ત્યારે, ૧૬ કોચની આ ૪૪ ટ્રેનો માટે ઇલેકિટ્રકલ સાધનો અને અન્ય ચીજવસ્તુઓની સપ્લાય માટેનાં છ દાવેદારોમાંથી એક ચીનની સંયુકત સાહસ વિદેશી કંપની તરીકે સામે આવી હતી. રેલવે મંત્રાલયે કહ્યું કે, તે એક અઠવાડિયામાં એક નવું ટેન્ડર બહાર પાડશે અને કેન્દ્રનાં ' મેક ઇન ઇન્ડિયા' કાર્યક્રમને પસંદ કરવામાં આવશે.

રેલ્વે મંત્રાલયે શુક્રવારે રાત્રે એક ટ્વિટમાં કહ્યું, '૪૪ સેમી-હાઇ સ્પીડ ટ્રેનો (વંદે ભારત) નાં નિર્માણ માટેનાં ટેન્ડર રદ્દ કરવામાં આવ્યા છે. સુધારેલા સાર્વજનિક ખરીદ ('મેક ઇન ઈન્ડિયા' ઓર્ડર) હુકમ હેઠળ એક અઠવાડિયાની અંદર નવા ટેન્ડરો મંગાવવામાં આવશે. જોકે, રેલ્વેએ ટેન્ડર રદ્દ કરવા પાછળ કોઈ વિશેષ કારણનો ઉલ્લેખ કર્યો નથી. નવી પ્રક્રિયામાં, નવી જાહેર ખરીદી નીતિ હેઠળ મેક ઇન ઇન્ડિયાને પસંદ કરવામાં આવશે.

ભારત સરકાર દ્વારા ટેન્ડર રદ્દ કરવાના પગલાને ચીન માટે મોટો આંચકો માનવામાં આવે છે. ચીની સંયુકત સાહસ સીઆરઆરસી પોયનિયર ઇલેકિટ્રક (ઇન્ડિયા) પ્રાઈવેટ લિમિટેડ એકમાત્ર વિદેશી કંપની હતી. જે આ ટેન્ડર પ્રક્રિયામાં સામેલ હતી. સીઆરઆરસી પોયનિયર ઇલેકિટ્રક (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ ગુરુગ્રામમાં ચીનનાં સીઆરઆરસી યોંગી ઇલેકિટ્રક લિમિટેડ અને પોયનિયર એફઆઈએલ-એમઈડી પ્રાઈવેટ લિમિટેડનું સંયુકત સાહસ છે.

(11:15 am IST)