Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

પાક કાશ્મીરીઓનો હમદર્દ હોવાનો ઢોંગ ફરી ખુલ્લો પડયોઃ ગીલાનીનો નિશાન-એ-પાકિસ્તાન લેવા ઇન્કાર

ગીલાની અત્યંત બીમારઃ લખી શકવામાં અસક્ષમઃ હુર્રીયત નેતા : સોશ્યલ મિડીયામાં ગીલાનીનો સન્માન અંગેનો પત્ર વાયરલઃ ગીલાની કે પરિવાર દ્વારા તે અંગે ચુપ્પી

શ્રીનગર તા. રર :.. અલગતાવાદી નેતા ગીલાનીને સર્વોચ્ચ નાગરીક સન્માન નિશાન-એ-પાકિસ્તાન આપી કાશ્મીરીઓના હમદર્દ હોવાનો ઢોંગ કરવાનું ષડયંત્ર ફરી નાકામ થયું છે. ગીલાનીએ આ સન્માન લેવા ઇન્કાર કરી દીધો છે.

આ અંગેનો ગિલાનીનો એક પત્ર સોશ્યલ મિડીયામાં વાયરલ થયો છે. જો કે ગીલાનીએ આ અંગે કોઇ પ્રતિક્રિયા આપી ન હતી. તેમના નજીકના લોકોએ જણાવેલ કે તેમને પણ આ પત્ર અંગે સોશ્યલ મિડીયા દ્વારા જ ખબર પડેલ.

પાકિસ્તાનના ઇશારે ગુલામ કાશ્મીરમાં હુર્રીયત ક્રોન્ફરન્સના એકમના સંયોજક તરીકે ગત વર્ષે ગીલાનીને હટાવાયા હતાં. ત્યારબાદ ગત જુલાઇમાં ગીલાનીએ હુર્રીયતમાંથી રાજીનામુ આપી પાકિસ્તાન સરકાર અને હુર્રીયત નેતાઓ ઉપર અનેક ગંભીર આરોપ લગાડેલ. ત્યારબાદ મચી ગયેલ ખળભળાટને શાંત પાડવા પાકિસ્તાન દ્વારા ગીલાનીને સર્વોચ્ચ સન્માન આપવાની જાહેરાત થયેલ.

પાકિસ્તાનના રાષ્ટ્રપતિએ ૧૪ ઓગસ્ટના રોજ હુર્રીયત નેતાઓને આ સન્માન આપેલ. આ સમારોહમાં અબ્દુલ્લા ગીલાનીને બોલાવાયેલ નહી. ફકત તે જ હુર્રીયત નેતાઓને બોલાવાયેલ જે ગીલાનીના વિરોધી માનવામાં આવે છે. જો કે તેમનો આ અંગે સંપર્ક કરવા મીડીયા દ્વારા પ્રયાસ થયેલ પણ તબીયત ઠીક ન હોવાથી કોઇ પ્રતિક્રીયા મળેલ નહીં.

આ પત્રમાં સન્માન લેવાનો ઇન્કાર કરવાની સાથે અનેક સવાલો પણ ઉઠાવાયા છે. ગીલાનીના પુત્ર નસીમે પણ પત્ર અને સન્માન ન લેવા અંગે તેમણે ફકત એટલું જ જણાવેલ કે, આ વિષયમાં હું કશું જાણતો નથી. જયારે ગીલાનીની દોહીત્રી રૂહી શાહે ટવીટ કરી જણાવેલ કે મારા નાના ગંભીર રૂપે બીમાર છે. તેઓ કશું લખવામાં અસમર્થ છે. બોલીને પણ લખાવી શકે તેમ નથી. કેટલાક સ્વાર્થી તત્વો પોતાના ઇરાદા માટે તેમની બીમારીનો ફાયદો લેવા કોશીષ કરી રહ્યા છે.હુર્રીયત કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ જણાવેલ કે ગીલાની ખૂબ જ બિમાર છે. તેઓ લખી શકે તેમ નથી. તેમનો જે પત્ર સોશ્યલ મિડીયામાં વાયરલ થયો છે તેની હકિકત ઉપર શંકા ઉપજે છે. તેમાં ઉર્દુ સાચી નથી. આ અંગે તેમના પરિવારે પણ કોઇ પુષ્ટી કરી નથી, પણ તેઓ પાકિસ્તાનથી નારાજ જરૂર છે.

(11:16 am IST)