Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

બ્રિટનનું જાહેર દેવું વધીને બે લાખ કરોડ પાઉન્ડની ઐતિહાસિક ટોચે

કોરોના કારણે સરકારને વધુ ધિરાણ લેવાની ફરજ પડી છે

લંડન, તા.૨૨: બ્રિટનનું જાહેર દેવું વધીને ૨ લાખ કરોડ પાઉન્ડ થઇ જતાં બ્રિટનના નાણાપ્રધાન રિશિ સુનકે આગામી સમયમાં કેટલાક આકરા પગલા લેવાની ચેતવણી આપી છે. બ્રિટન દ્વારા જારી કરાયેલા આજના આંકડા મુજબ બ્રિટનનું જાહેર દેવું ૨ લાખ કરોડ પાઉન્ડથી વધારે થઇ ગયું છે જે અત્યાર સુધી સર્વોચ્ચ સપાટી છે.

આ આંકડા જાહેર થયા પછી સુનકે એક નિવેદનમાં જણાવ્યું છે કે ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિકસ(ઓએનએસ) દ્વારા જારી કરાયેલા આંકડા દર્શાવે છે કે બ્રિટનનું જાહેર દેવું ઘટાડવા માટે કડક પગલા માટે તૈયાર રહેવું પડશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આપણે બિઝનેસને સુરક્ષિત રીતે ખોલવામાં મદદ કરવી પડશે જેથી દેશના અર્થતંત્રને વેગ આપવા અને રોજગારીનું સર્જન કરવામાં મદદ મળશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે નોકરીઓનું સર્જન કરવું પડશે, નોકરીઆનું રક્ષણ કરવું પડશે.

ઓએનએસ દ્વારા જારી કરાયેલા ડેટા અનુસાર જુલાઇના અંતે સરકારનું દેવું વધીને ૨૨૭.૬ અબજ પાઉન્ડ થઇ ગયું છે. જે ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં વધારે છે. કોરોના કારણે સરકારને વધુ ધિરાણ લેવાની ફરજ પડી છે. ઓએનએસના ડેટા અનુસાર ફકત જુલાઇમાં જ બ્રિટનની સરકારે ૨૬.૭ અબજ પાઉન્ડનું ધિરાણ મેળવ્યુ હતું.

ઓએનએસના જણાવ્યા અનુસાર બ્રિટનનું જાહેર દેવું દેશના કુલ જીડીપી કરતા પણ વધી ગયું છે. જુલાઇના અંતે જાહેર દેવું જીડીપીના ૧૦૦.૫ ટકા થઇ ગયું છે. ૧૯૬૧ પછી પ્રથમ વખત જાહેર દેવું જીડીપીના ૧૦૦ ટકાથી વધારે થયુંછે. બીજી તરફ નિષ્ણાતોએ જણાવ્યું છે કે આનાથી પણ ખરાબ દિવસો આવવાના બાકી છે જો કે તેમણે જણાવ્યું છે કે તેના પછી સારા દિવસો આવવાની શરૂઆત થઇ જશે.

(11:17 am IST)