Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

પૂર્વ નાણાં સચિવ રાજીવ કુમાર બન્યા નવા ચૂંટણી કમિશનરઃ અશોક લવાસાનું લેશે સ્થાન

કુમારની પાસે જાહેર નીતિ અને વહીવટમાં ૩૦ વર્ષથી વધુનો અનુભવ છે

નવી દિલ્હી, તા.૨૨: નવા ચૂંટણી કમિશનર તરીકે પૂર્વ નાણાં સચિવ રાજીવ કુમારની નિમણૂક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, તેઓ અશોક લવાસાની જગ્યા લેશે. કાયદા મંત્રાલયે શુક્રવારે રાત્રે એક જાહેરનામું બહાર પાડીને આ માહિતી આપી હતી.

ઉલ્લેખનીય છે કે, મંત્રાલયે કહ્યું કે રાજીવ કુમાર હાલના ચૂંટણી કમિશનર અશોક લવાસાની જગ્યા લેશે, આ સાથે જ તેઓ આગામી ૩૧ ઓગસ્ટે તેમનો પદભાર સંભાળળશે. આપને જણાવી દઇએ કે, અશોક લવાસા એશિયન ડેવલપમેન્ટ બેંક (ખ્ઝ્રગ્)ના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નવી જવાબદારી સંભાળવા જઇ રહ્યા છે. રાજીવ કુમાર ૧૯૮૪ બેચના નિવૃત્ત આઈએએસ અધિકારી છે.

કાયદા મંત્રાલયે જાહેરનામામાં કહ્યું છે કે, 'રાજીવ કુમારની ચૂંટણી કમિશનર પદ પર નિયુકિતથી રાષ્ટ્રપતિ ખુશ છે. અશોક લવાસાના રાજીનામાની અસર અમલી બનશે ત્યારથી ચૂંટણી કમિશનર તરીકે તેમની નિમણૂક સત્તાવાર ગણાશે.'

સુનીલ અરોરા ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર છે. અશોક લવાસા સિવાય અન્ય ચૂંટણી કમિશનર સુશીલચંદ્ર છે. કુમાર ૧૦ દિવસ પછી આ વરિષ્ઠ અધિકારીઓની ટીમનો હિસ્સો બનશે.

કુમારની પાસે જાહેર નીતિ અને વહીવટમાં ૩૦ વર્ષથી વધુનો અનુભવ છે. તેમણે જાહેર નીતિ અને બીએસસી અને એલએલબી સાથે સસ્ટેનેબિલીટીમાં માસ્ટર્સ કર્યું છે. કુમાર ગયા વર્ષે જુલાઈમાં નાણાં સચિવ તરીકે નિયુકત થયા હતા અને તેમનો કાર્યકાળ આ વર્ષે ફેબ્રુઆરીમાં સમાપ્ત થયો હતો. રાજીવ કુમાર આર્થિક સમાવેશ માટેની વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીની યોજનાના મુખ્ય ક્ષેત્રોમાં કામ કરવા માટે જાણીતા છે. આમાં પ્રધાનમંત્રી જન ધન યોજના અને મુદ્રા લોન યોજના જેવી મોટી યોજનાઓ સામેલ છે.

(11:22 am IST)