Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

આઇઇડી અને હથિયાર જપ્ત કરવામાં આવ્યા

દિલ્હીમાં મોટા આતંકવાદી હુમલાનું કાવતરું: એન્કાઉન્ટરમાં ઝડપાયો ISISનો આતંકી

નવી દિલ્હી તા. ૨૨ : દિલ્હીના ધૌલા કુવા રીંગરોડ નજીક એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. પોલીસનું કહેવું છે કે આ એન્કાઉન્ટર દરમિયાન એક આતંકી ઝડપાયો છે. સ્પેશિયલ સેલ ટીમ હજી ઓપરેશનને અંજામ આપી રહી છે. તેમનું કહેવું છે કે હજુ વધુની ધરપકડ થઈ શકે છે.

મળતી માહિતી મુજબ પકડાયેલા આતંકવાદીનું નામ અબુ યુસુફ જણાવવામાં આવી રહ્યું છે. તેની પાસેથી બે આઈઈડી અને હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે મોડી રાત્રે તેનું ઓપરેશન શરૂ કર્યું હતું, જે હજી ચાલુ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આતંકવાદીના નિશાન પર એક મહત્વપૂર્ણ વ્યકિતત્વ હતું.

દિલ્હી પોલીસનું કહેવું છે કે આઇએસઆઈએસના આતંકવાદીઓ દિલ્હીમાં મોટો આતંકી હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા. લોન વુલ્ફ હુમલો કરવાની યોજના હતી. અનેક જગ્યાએથી આતંકવાદીએ રેકી કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ, દિલ્હીમાં કેટલાક લોકો અબુ યુસુફને સંસાધનો પૂરા પાડતા હતા, તેમને પકડવા દરોડા પાડવામાં આવી રહ્યા છે.

દિલ્હી પોલીસના વિશેષ સેલના ડેપ્યુટી પોલીસ કમિશનર (ડીસીપી) પ્રમોદસિંહ કુશવાહાએ જણાવ્યું હતું કે ધૌલા કુવામાં એન્કાઉન્ટર દરમિયાન સ્પેશિયલ સેલે આઈએસઆઈએસના આતંકીને પકડ્યો છે. તેની પાસેથી આઈઈડી મળી આવ્યાં છે. હાલમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. કેટલાક વધુ લોકોની ધરપકડ કરી શકાય છે.

(11:23 am IST)