Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

હું અત્યારે જે સ્થાન પર છું ત્યાં પૂર્વ પ્રેસિડન્ટ ઓબામા અને પૂર્વ વાઇસ પ્રેસિડન્ટ જો બિડેનના કારણે જ છું : જો તેમણે પોતાનું કામ યોગ્ય રીતે કર્યું હોત તો હું ચૂંટણી લડવાનો નહોતો : પત્રકાર પરિષદમાં ડોનાલ્ડ ટ્રમ્પના ચાબખા

વોશિંગટન : તાજેતરમાં અમેરિકાના વ્હાઇટ હાઉસમાં મળેલી પત્રકાર પરિષદમાં પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ પોતાના પ્રેસિડન્ટ પદના પ્રતિસ્પર્ધી અને પૂર્વ વાઇસ પ્રેસિડન્ટ ડેમોક્રેટ ઉમેદવાર જો બિડન ઉપર ભારે કટાક્ષ કર્યા હતા.તેમણે પૂર્વ ડેમોક્રેટ પ્રેસિડન્ટ બરાક ઓબામાને પણ હડફેટમાં લીધા હતા.ટ્રમ્પએ જણાવ્યું હતું કે  હું અત્યારે જે સ્થાન પર છું ત્યાં પૂર્વ પ્રેસિડન્ટ ઓબામા અને પૂર્વ વાઇસ પ્રેસિડન્ટ જો બિડેનના કારણે જ છું.જો તેમણે પોતાનું કામ યોગ્ય રીતે કર્યું હોત તો હું ચૂંટણી લડવાનો નહોતો .
તેમણે ઉમેર્યું હતું કે મને મારી જૂનું જીવન ખૂબ જ પસંદ હતું. પરંતુ ઓબામા અને બીડને ખૂબ જ ખરાબ રીતે કામ કર્યું અને તેથી જ હું આજે તમારી સામે પ્રેસિડન્ટ  તરીકે ઉભો છું.
ઉલ્લેખનીય છે કે સોમવારથી અમેરિકન ડેમોક્રેટિક કન્વેંશનની શરૂઆત થઈ હતી. આ કન્વેંશનમાં અમેરિકાના પૂર્વ ફર્સ્ટ લેડી એટલે કે પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ ઓબામાના પત્ની મિશેલ ઓબામાએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર પ્રહાર કર્યા હતા.
જેમણે પોતાના ભાષણમાં કહ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા માટે એક યોગ્ય રાષ્ટ્રપતિ નથી. તેમણે પોતાના ભાષણમાં ટ્રમ્પને એક એવા વ્યક્તિ ગણાવ્યા કે જેમણે 1.7 લાખથી વધારે અમેરિકનોની હત્યા થવા દીધી અને અર્થવ્યવસ્થાને ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં પહોંચાડી દીધી.

 

(12:51 pm IST)