Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

સુશાંતના ફલેટમેટ સિધ્ધાર્થ પીઠાણી અને કુપર હોસ્પિટલના ડોકટરોની પૂછપરછ કરાઇ

સુશાંત કેસમાં બીજા દિવસે પણ CBIનો ધમધમાટ : કુક નીરજની બીજી વખત પૂછપરછ થશે

મુંબઇ તા. ૨૨ : સુશાંત સિંહ રાજપૂત કેસમાં સીબીઆઈએ બીજા દિવસે પણ તપાસનો ધમધમાટ આગળ ધપાવ્યો છે. પ્રથમ દિવસથી સીબીઆઈની ટીમ કેસની તપાસમાં સ્ફૂર્તિ સાથે જોવા મળી હતી. પ્રથમ દિવસે સીબીઆઈની ટીમે સુશાંતના હાઉસ હેલ્પ સેમ્યુઅલની તપાસ કર્યા બાદ હવી બીજા દિવસે મોટા માથાઓની તપાસ કરશે. સુશાંતની મોતના સમયે તેના ઘરે હાજર રહેલા લોકો પૈકી સિદ્ઘાર્થ પીઠાની, સંદીપ સિંહ તેમજ મહેશ શેટ્ટીની પણ પૂછપરછ કરાશે. આ તમામ લોકો ઘટનાસ્થળે હાજર રહ્યા હતા. સીબીઆઈની ટીમ સાંતાક્રૂઝ સ્થિત ગેસ્ટ હાઉસમાં ઉતરી છે. ફોરેન્સિક ટીમની સાથે સીબીઆઈ સુશાંતના ઘરે જઈને ત્યાં સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રકશન કરી શકે છે.

સુશાંત સિંહ રાજપૂતના ફલેટમેટ રહેલા સિદ્ઘાર્થ પીઠાની સાંતાક્રૂઝ સ્થિત ગેસ્ટ હાઉસ પહોંચ્યા છે અને સીબીઆઈની ટીમ તેમની પૂછપરછ કરી રહી છે. સીબીઆઈએ પીઠાનીને પૂછ્યું કે ૧૩ જૂનના રાત્રે ઘરમાં કોણ કોણ હાજર હતું. અગાઉ સુશાંતના રસોઈયા નીરજની પણ પૂછપરછ સીબીઆઈ દ્વારા કરવામાં આવી હતી. ઙ્ગઙ્ગ

સુશાંત કેસમાં સીબીઆઈ તમામ પાસાંઓની ઝીણવટપૂર્વક ચકાસણી કરી રહી છે. કૂપર હોસ્પિટલમાં સુશાંતના મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. મોસ્ટમોટર્મ પૂર્વે શબઘરમાં રિયા ચક્રવર્તીને પ્રવેશ આપવાના મામલે પણ તપાસ કરવામાં આવી રહી છે. રિયા શબઘરમાં ૪૫ મિનિટ સુધી રોકાઈ હતી. સીબીઆઈની ટીમ પોસ્ટમોર્ટમ કરનાર તમામ પાંચ ડોકટરની પણ પૂછપરછ કરી શકે છે. ઓટોપ્સી રિપોર્ટ અંગેના કેટલાક સવાલ ડોકટરોને કરવામાં આવશે.

સુશાંત સિંહ રાજપૂતના કેસમાં તેના કૂક નીરજને સાંતાક્રૂઝ સ્થિત ગેસ્ટ હાઉસ પર સીબીઆઈએ ફરી બોલાવ્યો છે. સીબીઆઈ બીજી વખત નીરજની પૂછપરછ કરશે. અગાઉ શુક્રવારે સીબીઆઈએ ૧૦ કલાક સુધી નીરજની પૂછપરછ કરી હતી.

સીબીઆઈને પૂરી શંકા છે પોસ્ટમોર્ટમ બરાબર રીતે થયુ નથી, અથવા તો રિપોર્ટમાં ગડબડ છે

કરણી સેનાના સુરજીતસિંહ કહે છે સુશાંતનો મિત્ર સંદિપ હત્યાનો માસ્ટર માઈન્ડ

બોલીવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂત કેસમાં સીબીઆઈની તપાસે ગતી પકડી લીધી છે : સુશાંતનું પોસ્ટમોટર્મ કરનાર ડોકટર અને એકસપર્ટ ટીમની સીબીઆઈના ઓફીસરો હવે ગમે ત્યારે પૂછપરછ કરશે. સીબીઆઈની પૂરી શંકા છે કે સુશાંતસિંહના મૃતદેહનું પોસ્ટમોર્ટમ બરાબર નથી થયુ અથવા તો રીપોર્ટમાં કોઈ ગડબડ કરવામાં આવી છે. સીબીઆઈ મુંબઈ પોલીસને પણ પોસ્ટમોર્ટમ અંગે પૂછપરછ કરશે. મુંબઈ પોલીસને એવુ પણ પૂછાશે કે બીજા ડોકટર અથવા એકસપર્ટનો શા માટે સંપર્ક નથી કર્યો? આ વિષયના વિશેષજ્ઞો દ્વારા સીબીઆઈને બતાવાયુ છે કે પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં મૃત્યુના સમય જેવી મહત્વપૂર્ણ જાણકારીનો કોઈ ઉલ્લેખ નથી. હવે સીબીઆઈ ગમે ત્યારે ડોકટર અને એકસપર્ટને પ્રશ્નોત્તરી કરશે. મુંબઈ પોલીસને પણ પ્રશ્નોત્તરી માટે ગમે ત્યારે બોલાવશે.

દરમિયાન સુશાંત કેસમાં કરણી સેનાના સુરજીતસિંહે હત્યા થયાનું જણાવ્યુ છે. તેમણે કહ્યુ છે કે સુશાંતનો મિત્ર સંદીપ જ હત્યાનો માસ્ટર માઈન્ડ છે. સંદીપની ધરપકડ જો કરી લેવામાં આવે તો સત્ય બહાર આવશે. તાત્કાલીક ધરપકડ કરવા કરણી સેનાના સભ્ય સુરજીતસિંહે માંગણી કરી છે.

(3:46 pm IST)