Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

કોરોના મહામારી 2 વર્ષની અંદર જ ખતમ થઇ જશે, જો કે એ માટે સમગ્ર વિશ્વને એક થવા અને એક સર્વમાન્‍ય રસી બનાવવામાં સફળતા મેળવવાની જરૂરિયાત છેઃ ડબલ્‍યુએચઓના ચીફ ટેડ્રોસ એડહાનોમ ગેબ્રયેસિસનું નિવેદન

જિનેવાઃ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને એવી આશા વ્યક્ત કરી છે કે કોરોના મહામારી 1918ના સ્પેનિશ ફ્લૂની સરખામણીએ ખૂબ ઓછાં સમય સુધી રહેશે. WHOનાં ચીફ ટેડ્રોસ એડહાનૉમ ગેબ્રયેસિસએ શુક્રવારના રોજ જણાવ્યું કે, “આ મહામારી 2 વર્ષની અંદર જ ખતમ થઈ જશે. જો કે એ માટે સમગ્ર વિશ્વને એક થવા અને એક સર્વમાન્ય રસી બનાવવામાં સફળતા મેળવવાની જરૂરિયાત છે.

જો કે હાલમાં કોઇ સ્વીકૃત રસી ઉપલબ્ધ નથી અને એવામાં WHO ચીફનું આ નિવેદન મહત્વપૂર્ણ છે. અત્યાર સુધી WHO તરફથી કોરોના મહામારીને ખતમ કરવા માટે કોઇ સમયસીમા ન હોતી આપવામાં આવી.

જિનેવામાં એક બ્રીફિંગ દરમિયાન ટેડ્રોસએ કહ્યું કે, “1918માં સ્પેનિશ ફ્લૂને ખતમ થવામાં 2 વર્ષ લાગ્યા હતાં. આજની પરિસ્થિતિમાં વધારે ટેક્નોલોજી અને કનેક્ટિવીટીનાં કારણે વાયરસની પાસે ઝડપથી ફેલાવાની ભરપૂર તક છે. તે ઝડપથી ફેલાઈ શકે છે કેમ કે આપણે એકબીજાથી જોડાયેલા છીએ.

તેમને વધુમાં એમ પણ જણાવ્યું કે, “આ સમયે આપણી પાસે ટેક્નોલોજી પણ છે અને તે જ્ઞાન પણ કે જેનાથી તેને પહોંચી શકાય. તેવામાં વૈશ્વિકરણ, ધનિષ્ઠતા, જોડાણથી નુકસાન તો છે પરંતુ વધારે સારી ટેક્નિકનો ફાયદો પણ છે. ઉપલબ્ધ ઉપકરણોનો વધુમાં વધુ ઉપયોગ કરતા અમે આશા રાખીએ છે કે આપણી પાસે રસી પણ હશે તો 1918નાં ફ્લૂ કરતા ખૂબ ઓછા સમયમાં તેને ખતમ પણ કરી શકીશું.

આધુનિક ઇતિહાસમાં સૌથી ઘાતક મહામારી સ્પેનિશ ફ્લૂ હતી

કોરોનાને કારણે અત્યાર સુધીમાં અંદાજે 8 લાખ લોકોનાં મોત થયા છે. વિશ્વભરમાં 2.3 કરોડ લોકો કોરોનાગ્રસ્ત છે. આધુનિક ઇતિહાસમાં સૌથી ઘાતક મહામારી સ્પેનિશ ફ્લૂ હતી જેમાં સ્પેનિશ ફ્લૂથી 5 કરોડ લોકોના જીવ ગયા હતાં. વિશ્વમાં અંદાજે 50 કરોડ લોકો તેનાંથી સંક્રમિત હતાં.

(4:38 pm IST)