Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

ઈન્સ્ટાગ્રામ, યુ ટ્યુબ, ટિકટોકના ૨૩.૫ કરોડ યુઝર્સની ઓળખ લિક

જી- મેઈલ હેક થવાના બીજા દિવસે સાયબર દુનિયામાં મોટો ખળભળાટ : આ વિગતો ડાર્ક વેબ કહેવાતા ઈન્ટરનેટના અદૃશ્ય હિસ્સામાં મળી, એટલે કે એ ડેટા મેળવવા માટે કોઈ પાસવર્ડ કે લોગઈનની પણ જરૂર નથી

નવી દિલ્હી, તા. ૨૨ : ગૂગલનું જી-મેઈલ હેક થવાની ઘટનાના બે દિવસ પછી વધુ એક ખતરનાક ઘટના સામે આવી છે. લેટેસ્ટ અહેવાલ પ્રમાણે ઈન્સ્ટાગ્રામ, યુટયુબ અને ટિકટોકના ૨૩.૫ કરોડ યુઝર્સની ઓળખની વિગતો લિક થઈ છે. આ વિગતો ડાર્ક વેબ કહેવાતા ઈન્ટરનેટના અદૃશ્ય હિસ્સામાં મળી આવી છે. એટલે કે એ ડેટા મેળવવા માટે કોઈ પાસવર્ડ કે લોગઈનની પણ જરૂર નથી. નધણિયાતી હાલતમાં આ વિગતો પડી છે. લિક થયેલી વિગતોમાં પ્રોફાઈલ નેમ, યુઝરનું અસલી નામ, પ્રોફાઈલ ફોટો, એકાઉન્ટની વિગતો, ઉંમર, લોકેશન, જાતિ, ફોલોઅર્સની સંખ્યા, લાઈક્સની સંખ્યા, પસંદ-નાપસંદ વગેરેનો સમાવેશ થાય છે. આ વિગતો કોણે લિક કરી તેનો ખુલાસો હજુ સુધી થયો નથી. પરંતુ ડેટા લિક થયો છે એ શોધી કાઢનાર કંપેરિટેક નામની વેબ સિક્યુરિટી  એજન્સીએ જણાવ્યુ હતું કે આ કામ કદાચ ડીપ સોશિયલ નામના નેટવર્કનું હોઈ શકે. ડીપ સોશિયલ એ ઓનલાઈન ડેટા ચોરી કરનારી એક ગેંગ છે અને દુનિયાની ઘણી ઈન્ટરનેટ કંપનીઓએ તેના પર પ્રતિબંધ મુક્યો છે. લિક થયેલા ડેટાનો હજુ સુધી કોઈ દુરૂપયોગ સામે આવ્યો નથી. સામાન્ય રીતે વિગતો હેક થાય કે ડેટા લિક થાય ત્યારે ખંડણી માંગવામાં આવતી હોય કે પછી એકાઉન્ટનો દુરૂપયોગ કરવામાં આવતો હોય છે.

આ કિસ્સામાં એવુ કશું થયું નથી. જોકે ડેટાનો મોટો વેપાર છે, માટે લિક કરનારે ડેટા કોઈને વેચી નાખ્યો હોય અને એ ભવિષ્યમાં તેનો ઉપયોગ કરે એવુ પણ બને. ડેટા લિકની વિગતો કંપેરિટેકે પોતાની વેબસાઈટ પર બ્લોગ લખીને જાહેર કરી હતી. એ પછી ઓનલાઈન સિક્યુરિટી એજન્સીઓ હરકતમાં આવી ગઈ હતી. ટિક-ટોક પર ભારતમાં પ્રતિબંધ મુકાયો છે, પરંતુ તેના પર અગાઉથી અપલોડ થયેલો ડેટા તો કોઈ પણ ચોરી જ શકે છે. યુટયુબ એ ગૂગલની માલિકીની છે, જ્યારે ઈન્સ્ટાની માલિકી ફેસબૂકની છે. આ બન્ને કંપનીઓની બેદરકારી પણ આ કિસ્સામાં સામે આવી છે.

(7:13 pm IST)