Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

પોલીસના કહેવાથી સુશાંત સિંહ રાજપૂતનું પોસ્ટમોર્ટમ ઊતાવળે કરાયું

સુશાંત સિંહ રાજપૂતના પીએમ અંગે ડૉક્ટરની કબૂલાત : સીબીઆઈની ટીમ મુંબઈમાં અભિનેતા સુશાંતસિંહની હત્યાની શંકાએ જુદા જુદા પાસા પર તપાસ કરી રહી છે

મુંબઈ, તા. ૨૨ : સુશાંત સિંહ રાજપૂત કેસમાં પોસ્ટમોર્ટમ કરનારા ડોક્ટર્સે એક મોટો ખુલાસો કર્યો છે. સીબીઆઈની પૂછપરછમાં સુશાંતનું પોસ્ટમોર્ટમ કરનારા એક ડોક્ટરે જણાવ્યું કે, મુંબઈ પોલીસે તેમને પોસ્ટમોર્ટમ જલદી કરવાની સૂચના આપી હતી. શનિવારે સીબીઆઈની એક ટીમ કૂપર હોસ્પિટલ પહોંચી હતી. જ્યાં સુશાંતની ઑટોપ્સી કરનારા ડોક્ટર્સની પૂછપરછ કરી હતી. સુશાંત મામલે મુંબઈ પહોંચેલી સીબીઆઈની ટીમ બીજા દિવસે શનિવારે પણ તપાસમાં મચી પડી છે. સીબીઆઈને શુક્રવારે બપોર પછી જ સુશાંતનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળ્યો હતો, જે પછીથી શનિવારે એક ટીમ કૂપર હોસ્પિટલ પહોંચી હતી. હોસ્પિટલમાં સુશાંતની ઓટોપ્સી કરનારા ૫ ડોક્ટર્સની પૂછપરછ કરી હતી. ઓટોપ્સી રિપોર્ટમાં અનેક રીતની ખામીઓ સામે આવી છે.

એક અહેવાલના અનુસાર સીબીઆઈની ટીમે ડોક્ટર્સને પૂછ્યું કે સુશાંતનું પોસ્ટમોર્ટમ કરવામાં આટલી ઉતાવળ કેમ કરી? તો તેમાંથી એક ડોક્ટરે કહ્યું કે આવું કરવા માટે મુંબઈ પોલીસે કહ્યું હતું. નોંધનીય છે કે ૧૪ જૂનના રોજ સવારે સુશાંતનો મૃતદેહ તેના બેડરુમમાં પંખા પર લટકાયેલો જોવા મળ્યો હતો. જે પછી ૧૪ જૂનની રાતે સુશાંતનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.

સુશાંત સિંહનો પોસ્ટમોર્ટમ આવતા પહેલા ૧૫ જૂનના રોજ રિયા ચક્રવર્તી પણ હોસ્પિટલના શબગૃહમાં પહોંચી હતી. તે ત્યાં ૪૫ મિનિટ સુધી રોકાઈ હતી. હોસ્પિટલ મેનેજમેન્ટ અને મુંબઈ પોલીસ પર પહેલાથી જ સવાલો ઊઠી રહ્યા છે કે રિયાને શબગૃહમાં અંદર જવાની પરવાનગી મળી જ કેવી રીતે? રિયા પરિવારની સભ્ય જ નથી. આ મામલો કથિત રીતે આત્મહત્યાનો કેસ છે, જેથી રિયાને શા માટે અને કોણે ક્લિયરન્સ આપ્યું. તેના પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે.

આ પહેલા અન્ય એક રિપોર્ટમાં એવી વાત સામે આવી હતી કે સુશાંત સિંહ રાજપૂતના મૃતદેહનું પોસ્ટમોર્ટમ તેની મોટી બહેન મીતૂસિંહની વિનંતી પર તે જ દિવસે કરવામાં આવ્યું હતું. આ રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે, પોસ્ટમોર્ટમ સમયે સુશાંતના બનેવી ઓપી સિંહ પણ ત્યાં જ હાજર હતા.

રિપોર્ટ અનુસાર, પોસ્ટમોર્ટમ કરનારા ડોક્ટર સચિન સોનાવનેએ જણાવ્યું કે સુશાંતની બહેન અને તેના બનેવી ઓપી સિંહની વિનંતી પર જ તે દિવસે જ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ પૂરું થવામાં આશરે ૯૦ મિનિટ લાગ્યી હતી. ડોક્ટરે એ પણ જણાવ્યું કે એવો કોઈ નિયમ નથી જે હેઠળ રાતના પોસ્ટમોર્ટમ ન થઈ શકે અને મુંબઈમાં રાતે પણ પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે.

(9:15 pm IST)