Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

વિદેશથી આવનારા ઉતરતી કક્ષાના સામાન ઉપર સખ્તી

સપ્ટે.થી નવો નિયમ, આયાતી રકમડાંની ક્વોલિટી ચેક થશે : રમકડાં સરકારના માનદંડોમાં પાર નહીં ઉતરે તેને રિજેક્ટ કરી દેવામાં આવશે, ગ્રાહકો સુધી પહોંચવા દેવાશે નહીં

નવી દિલ્હી, તા. ૨૨ : આવનારા દિવસોમાં વિદેશથી આવનારા રમકડાંની એન્ટ્રી પર સખ્તી લાગુ કરાશે. હકીકતમાં, ગ્રાહકીય બાબતોના મંત્રી રામવિલાસ પાસવાને કહ્યું છે કે પહેલી સપ્ટેમ્બરથી આયાતી રમકડાંની અનિવાર્ય રીતે ક્વોલિટી તપાસ કરવામાં આવશે એ પછી જ તેને ભારતમાં પ્રવેશની પરવાનગી અપાશે. મતલબ એ કે જે રમકડાં સરકારના માનદંડોમાં પાર નહીં ઉતરે તેને રિજેક્ટ કરી દેવામાં આવશે અને ગ્રાહકો સુધી પહોંચવા દેવાશે નહીં. પાસવાને કહ્યું કે, રમકડાંની ગુણવત્તા માપવા માટે દેશનાં મુખ્ય બંદરો પર કર્મચારીઓની એક મોટી ફોજ ઉતારાશે. ઈન્ડિયન સ્ટાન્ડર્ડ ઈન્સ્ટીટ્યુશ (આઈએસઆઈ)ના કર્મચારીઓ વિદેશમાંથી આયાત કરેલાં રમકડાંની તપાસ કરશે અને તેને સર્ટિફિકેટ આપશે તે પછી જ ભારતમાં તેમને પ્રવેશવા દેવાશે.

આ સાથે જ સરકાર ચીન સહિત અન્ય દેશોમાંથી આવી રહેલા ક્વોલિટી વિનાનાં અને બિનજરૂરી રમકડાંની આયાતી ખેપ બંધ કરવા વિશે વિચારણા કરી રહી છે. જે વસ્તુની ક્વોલિટી ચેક કરવામાં આવનાર છે તેમાં સ્ટીલ, રસાયણ, ફાર્માસ્યુટિકલ્સ અને ઈલેકટ્રીક સાધનો અને ભારે મશીનો છે. આ ઉપરાંત પેકેજ્ટ વોટર અને અને મિલ્ક પ્રોડક્ટ જેવા પદાર્થો માટે પણ ક્વોલિટી કંટ્રોલ બનવાની પ્રક્રિયા જારી છે.

ઈન્ડિયન સ્ટાન્ડર્ડ ઈન્સ્ટીટયુશનના મહાનિર્દેશક પ્રમોદકુમાર તિવારીએ કહ્યું કે, પ્રત્યેક ઉત્પાદન માટે ક્વોલિટી કંટ્રોલ જરૂરી છે અને તેને સંબંધિત મંત્રાલય સાથે જોડી દેવાશે. તિવારીએ કહ્યું કે, આ માટે નમૂના લેવા અને તેનું પરીક્ષણ કરવા માટે બંદરો પર કર્મચારીઓની નિમણુક કરવામાં આવશે.

(9:31 pm IST)