Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

કરાચીમાં હનુમાનજી મંદિરને તોડી પડાતાં સ્થાનિકમાં રોષ

બિલ્ડરના હિતમાં મંદિર સહિત મકાનો તોડી પાડ્યાં : ૨૦ જેટલાં હિન્દુ પરિવારના ઘર તોડી પાડવામાં આવ્યા, વહીવટી તંત્ર બિલ્ડરને મદદ કરતું હોવાનો લોકોનો આક્ષેપ

કરાચી, તા. ૨૨ : પાકિસ્તાનમાં આઝાદી પહેલા બનેલા હનુમાનજીના મંદિરને તોડી પડાતાં સ્થાનિક હિન્દુઓમાં રોષ ફેલાયો છે. આ મંદિરની આસપાસ લગભગ ૨૦ જેટલાં હિન્દુ પરિવાર રહે છે. તેમના ઘર પણ તોડી પાડવામાં આવ્યા છે.અહીં એક બિલ્ડર વસાહત બનાવી રહ્યો છે.

લોકોનો આરોપ છે કે  સ્થાનિક વહીવટી તંત્ર બિલ્ડરને મદદ કરી રહ્યું છે. મંદિરમાં રહેલી મૂર્તિઓને પણ ગાયબ કરી દેવામાં આવી છે. પાકિસ્તાન સરકાર દ્વારા હજી સુધી આ બાબતને લઈને કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.

મંદિરના પૂજારીનો આરોપ છે કે લગભગ છ મહિના પહેલા એક બિલ્ડરે કરાચીની સીમમાં લાયરીની જમીન ખરીદી હતી. બિલ્ડર અહીં વસાહત બનાવવા માંગે છે. આ વિસ્તારમાં ૨૦ હિન્દૂ પરિવાર પણ રહે છે.

 નજીકમાં જ એક પૌરાણિક હનુમાનજીનું મંદિર આવેલું છે. કોરોનાની મહામારીના કારણે મંદિરને કેટલાક મહિનાથી બંધ કરવામાં આવ્યું હતું. ધ ટ્રિબ્યૂન અખબારના અહેવાલ મુજબ મંદિરને સોમવારની રાત્રે તોડી પાડવામાં આવ્યું હતું. આ બાબતની જાણકારી શુક્રવારે સામે આવી હતી.

ઘટનાની જાણકારી મળતાં જ હિન્દુ પરિવારો એકઠા થઇ ગયા હતા. આ દરમિયાન પોલીસ પણ પહોંચી હતી. પોલીસે સમગ્ર વિસ્તાર સીલ કર્યો હતો. હનુમાનજી મંદિર કાટમાળમાં ફેરવાઈ ગયુ હતું. કમિશનર અબ્દુલ કરીમ મેમને કહ્યું હતું કે, આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. વિશેષ વાત એ છે કે આ વિસ્તારમાં વસતા બલોચ સમુદાયના લોકો પણ મંદિર તોડવાનો વિરોધ કરી રહ્યા હતા. બલોચ નેતા ઇર્શાદ બલોચે કહ્યું હતું કે, અમે આ ઘટનાથી ખૂબ જ દુઃખી છીએ. નાનપણથી જ આ મંદિરને અમે જોઈ રહ્યા હતા. તે અમારી ધરોહરનું પ્રતીક હતું.

(9:35 pm IST)