Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

નાપાક પાક. અંતે બેનકાબ થયું : દાયકાઓ પછી પ્રથમ વખત પાકિસ્તાને આજે સત્તાવાર રીતે કબૂલ કર્યું છે કે કુખ્યાત ડોન દાઉદ ઈબ્રાહીમ પાકિસ્તાનના કરાચીમાં છે : પાકિસ્તાને FATF નું બ્લેકલિસ્ટિંગ ટાળવા હાફિઝ સઇદ, મસૂદ અઝહર અને દાઉદ ઇબ્રાહિમ પર વધુ પ્રતિબંધ મૂક્યો

કરાચી : નાપાક પાક. અંતે બેનકાબ થઈ ગયું છે. દાયકાઓ પછી પ્રથમ વખત પાકિસ્તાને આજે સત્તાવાર રીતે કબૂલ કર્યું છે કે કુખ્યાત ડોન દાઉદ ઈબ્રાહીમ પાકિસ્તાનના કરાચીમાં છે, અને તેના કેટલાટ સત્તાવાર પ્રતિબંધો મૂક્યા છે. આ સત્તાવાર ઘોષણા બાદ તે સાબિત થયું છે કે ભારતમાં અનેક આતંકી હુમલાઓ કરાવનાર દાઉદ પાકિસ્તાન માજ છે.

આંતરરાષ્ટ્રીય ટેરર ફન્ડિંગ પર નજર રાખતી વૈશ્વિક સંસ્થા આતંકી ફન્ડિંગ પર પગલાં લેનારી ફોર્સ (FATF)ના ગ્રે લિસ્ટમાંથી પાકિસ્તાનને બહાર નીકળવું છે. જેના માટે મોટા પગલા તરીકે ઇસ્લામાબાદે હવે આતંકના આકાઓ દાઉદ ઇબ્રાહિમ, હાફિઝ સઇદ અને અઝહર મસૂદ પર પ્રતિબંધો વધુ કડક કર્યા છે. સાથે તેમની સંપત્તિ પણ જપ્ત કરવા અને તેમના બેન્ક ખાતા સીઝ કરવાના આદેશ આપ્યા છે.

પાકિસ્તાને 88 ટકા આતંકી સંગઠનો અને હાફિઝ સઇદ, અઝહર મસૂદ અને દાઉદ ઇબ્રાહિમ  સહિતના આતંકીઓ પર કડક નાણાકીય પ્રતિબંધો લાદયા છે. એક સ્થાનિક અખબારના અહેવાલમાં આ અંગેની માહિતી આપવામાં આવી છે. રિપોર્ટ મુજબ તમામ આતંકી સંગઠનો અને તેમના આકાઓની સંપત્તિ જપ્ત કરવા અને તેમના બેન્ક એકાઉન્ટ સીઝ કરવાના ઇમરાન સરકારે આદેશ આપી દીધા છે.

પેરિસ સ્થિત FATF એ પાકિસ્તાનને જૂન 2018માં ગ્રે લિસ્ટમાં મૂક્યું હતું. સાથે ઇસ્લામાબાદને 2019ના અંત સુધી આતંકવાદ સામે તેની કાર્યયોજના લાગુ કરવા આદેશ આપ્યો હતો. પરંતુ કોરોનાના કારણે આ સમયસીમા વધારવામાં આવી છે.

પાકિસ્તાન સરકારો 18 ઓગસ્ટે બે જાહેરનામા બહાર પાડી 26/11 મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ અને જમાત ઉદ દાવાના વડા હાફિઝ સઇદ, જૈશ એ મોહમ્મદના વડા અઝહર મસૂદ અને અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ પર પ્રતિબંધોની જાહેરાત કરી હતી.

પાકિસ્તાની અખબાર ‘ધ ન્યૂઝ’ના અહેવાલ મુજબ પાકિસ્તાન સરકારે તાજેતરમાં જ સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદ દ્વારા જારી નવી યાદીનું પાલન કરતા તેને ત્યાંના 88 આતંકી સંગઠનો પર પ્રતિબંધ લગાવ્યા છે. જેમાં જમાત ઉદ દાવા, જૈશ, તાલિબાન, દાએશ, હક્કાની જૂથ, અલકાયદા સહિતના સંગઠનોનો સમાવેશ થાય છે.

રિપોર્ટ મુજબ સરકારે આ સંગઠનો અને તેમના આકાઓની તમામ ચળ-અચળ સંપત્તિઓ જપ્ત કરવાનો અને તેમના બેન્ક ખાતા સીઝ કરવાનો આદેશ આપ્યો છે. આ આકાઓમાં સઇદ, અઝહર, દાઉદ ઉપરાંત મુલ્લા ફઝલુલ્લાહ (ઉર્ફે મુલ્લા રેડિયો), ઝકીઉર્રેહમાન લખવી, મુહમ્મદ યાહ્યા મુજાહિદ, અબ્દુલ હકીમ મુરાદ, નૂર વલી મહસૂદ, ઉઝબેકિસ્તાન લિબરેશન મૂવમેન્ટના ફઝલ રહીમ શાહ, તાલિબાની નેતા જલાલુદ્દીન હક્કાની , ખલીલ અહેમદ હક્કાની, યાહ્યા હક્કાની અને તેમના સાથીઓ સામેલ છે.

(10:03 pm IST)