Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

અમેરિકાને ઇરાન ઉપર પ્રતિબંધ લંબાવવા અંગે યુએન સિકયોરીટી કાઉન્સીલમાં ભારે પછડાટ મળી : ૧પ માંથી ૧૩ સભ્ય દેશોએ વિરોધ કર્યો : વોશિંગ્ટનનું પગલુ રદ થવાને પાત્ર

ન્યુયોર્ક : અમેરિકાએ ઇરાનજ ઉપર પ્રતિબંધ લંબાવવા અંગે યુએન સિકયોરીટી કાઉન્સીલમાં ભારે પછડાટ મળી હતી. ૧પમાંથી ૧૩ સભ્યો દેશોએ વિરોધ વ્યકત કર્યો હતો. યુઅ.એન. પ્રક્રિયાનો ઇરાન સામે ઉપયોગ કરી રહ્યું હોવાના કારણોસર વોશિંગટનનું પગલું રદ થવાને પાત્ર છે.

છેલ્લા 24 કલાકમાં યુ.એસ. વિદેશ સચિવ માઇક પોમ્પિયોએ જણાવ્યું હતું કે તેમણે ઇરાન પર યુ.એન. પ્રતિબંધો લાદવા માટે 30 દિવસનું કાઉન્ટડાઉન શરૂ કરી દીધું છે. તેમા શસ્ત્ર પ્રતિબંધનો પણ સમાવેશ થાય છે. અમેરિકાના લાંબા સમયના સહયોગીઓ બ્રિટન, ફ્રાન્સ, જર્મની અને બેલ્જિયમની સાથે ચીન, રશિયા, વિયેતનામ, નાઇજર, સેન્ટ વિન્સેન્ટ, ગ્રેનેડિયન્સ, સાઉથ આફ્રિકા, ઇન્ડોનેશિયા, એસ્ટોનિયા અને ટ્યુનિસિયાએ આ અંગે વિરોધ કરતા પત્રો લખ્યા હતા, જે રોઈટર્સે જોયા છે.

અમેરિકાનો ઇરાન પર ડીલ ભંગ કરવાનો આરોપ

અમેરિકાએ ઇરાન પર વિશ્વની સત્તાઓ સાથે 2015માં થયેલા ડીલનો ભંગ કરવાનો આરોપ મૂક્યો છે. આ ડીલનું ધ્યેય તહેરાન પરમાણુ શસ્ત્રો વિકસાવવાનું બંધ કરે અને બદલામાં પ્રતિબંધોમાં રાહત મેળવે તે હતુ. પરંતુ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ ડીલને અત્યંત ખરાબમાં ખરાબ ડીલ ગણાવ્યું હતું અને 2018માં અમેરિકા તેની મરજી મુજબ આ ડીલમાંથી નીકળી ગયુ હતુ.

રાજદ્વારીઓએ જણાવ્યું હતું કે રશિયા, ચીન અને બીજા દેશો ઇરાન પર ફરીથી પ્રતિબંધ લાદવાની તરફેણ કરે તેવી કોઈ સંભાવના નથી. પોમ્પિયોએ ફરીથી રશિયા અને ચીનને ચેતવણી આપી હતી કે જો તેઓ ઇરાન સામે સંયુક્ત રાષ્ટ્ર સંઘના પગલાનો વિરોધ કરશે તો તેઓએ અમેરિકાની કાર્યવાહીનો સામનો કરવો પડશે.

ડોમિનિકન રિપબ્લિકન જ અમેરિકાની તરફેણમાં

ઇરાન પર ઓક્ટોબરમાં પૂરા થતા શસ્ત્ર પ્રતિબંધને લંબાવવાની અમેરિકાની દરખાસ્ત સિક્યોરિટી કાઉન્સિલે ગયા સપ્તાહે નકારી કાઢ્યા બાદ તેણે ગુરુવારે આ પગલું ભર્યુ હતુ. ફક્ત ડોમિનિકન રિપબ્લિકને જ અમેરિકાની તરફેણમાં મત આપ્યો હતો.

જો કે ઇરાન પર ફરીથી પ્રતિબંધ લાદવા અંગે ડોમિનિકન રિપબ્લિકે તેની દરખાસ્ત હજી સુધી કાઉન્સિલને મોકલી નથી. વોશિંગ્ટને કહ્યુ છે તે શરૂ થનારી યુ.એન. પ્રતિબંધોની પ્રક્રિયા 19મી સપ્ટેમ્બરની મધરાત્રિએ શરૂ થઈ જશે, આમ ટ્રમ્પ યુ.એન. જનરલ એસેમ્બલીની વાર્ષિક બેઠકમાં વિશ્વના નેતાઓને સંબોધશે તે પહેલા આ પ્રતિબંધ અમલી બનશે. કોરોના વાઇરસના લીધે આ વાર્ષિક બેઠક વર્ચ્યુઅલી રાખવામાં આવી છે.

હવે શું?
2015ના સિક્યોરિટી કાઉન્સિલ ઠરાવમાં પરમાણુ શસ્ત્રનું ડીલ કહે છે કે જો કાઉન્સિલનો કોઈપણ સભ્ય નોન-કમ્પ્લાયન્ટ ફરિયાદના દસ દિવસની અંદર ઇરાન પર પ્રતિબંધોમાં રાહત લંબાવવા સામે કાઉન્સિલનો કોઈપણ સભ્ય દરખાસ્ત ન મૂકે તો આ એકમના પ્રમુખે બાકીના 20 દિવસની અંદર તે પ્રતિબંધો ઉઠાવી લેવાના રહેશે.

અમેરિકા અહીં તેનો વીટો વાપરી શકે છે અને તે ઇરાન પર ફરીથી પ્રતિબંધ લાદવા દલીલ કરી શકે છે. પણ 2015નો ઠરાવ કહે છે કે કાઉન્સિલ તેની સાથે સંલગ્ન બધાના મંતવ્યો લેશે. ભારે વિરોધને ધ્યાનમાં રાખતા કેટલાક રાજદ્વારીઓએ કહ્યુ છે કે કાઉન્સિલના ઓગસ્ટ માટેના ઇન્ડોનેશિયાના પ્રમુખ અને સપ્ટેમ્બર માટેના નાઇજરના પ્રમુખે આ માટેની ડ્રાફ્ટ ટેક્સ્ટ જ મૂકી નથી.

યુ.એન. સિક્યોરિટી કાઉન્સિલના રાજદ્વારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે સલામતી પરિષદના મોટાભાગના સભ્યોના ભારે વિરોધને ધ્યાનમાં રાખતા પ્રતિબંધ ફરીથી લાદવાની પ્રક્રિયા શરૂ થઈ શકી નથી, તેના લીધે તેના પ્રમુખને પણ ડ્રાફ્ટ રિઝોલ્યુશન તૈયાર કરવાની ફરજ પાડી શકાય નહી.

પોમ્પિયો અને અમેરિકાના ઇરાનમાંથી વિદાય લેતા રાજદૂત બ્રાયન હૂકે સંકેત આપ્યો છે કે વોશિંગ્ટનને લાગે છે કે ઇન્ડોનેશિયા કે નાઇજર વોટ માટે ટેક્સ્ટ મૂકી શકે. અમેરિકા માટે બીજો વિકલ્પ પોતે જ ડ્રાફ્ટ આગળ મૂકવાનો છે અથવા તો ડોમિનિકન રિપબ્લિકનને તેમ કરવા કહેવાનો છે.

અમેરિકાની દલીલ છે કે આ રીતે પ્રતિબંધ ફરીથી લાદવાની પ્રક્રિયા શરૂ થઈ શકે છે, કારણ કે 2015ની સલામતી પરિષદના ઠરાવમાં હજી પણ તે ન્યુક્લિયર ડીલનો પક્ષકાર છે.

(10:25 pm IST)