Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

દિલ્હી-યુપી-હરિયાણામાં આજે વરસાદની સંભાવનાઃ રાજધાનીમાં ૧ર૧ વર્ષનો રેકોર્ડ તુટશે

આજથી બંગાળ, ઓડીશા, રાજસ્થાન, ગુજરાત, હિમાચલ, પંજાબ, હરિયાણા અને ઉતરાખંડમાં હવામાન બદલશેઃ વરસાદ પડશે

નવી દિલ્હી તા. રર :.. રાજધાની દિલ્હી, યુપી, હરિયાણા અને રાજસ્થાનમાં આજે ભારતીય હવામાન ખાતાએ ગાજવીજ સાથે વરસાદની શકયતા દર્શાવી છે. હવામાન વૈજ્ઞાનિકો મુજબ દિલ્હીમાં જોરદાર વરસાદ પડશે અને આખુ અઠવાડીયુ કટકે - કટકે ચાલુ રહેશે. જેને કારણે હવામાન ખાતાએ દિલ્હી તથા આસપાસના વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે.

ઉપરાંત હરિયાણા તથા યુપીના અમુક વિસ્તારો અને રાજસ્થાનના ડીગમાં પણ વરસાદની શકયતા છે. દિલ્હીમાં ર૯મી સુધી વરસાદ ચાલુ રહેશે. જો આજે વરસાદ પડશે તો ૧ર૧ વર્ષનો રેકોર્ડ તુટી શકે છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ આંકડાઓ મુજબ સપ્ટેમ્બરમાં અત્યાર સુધી ૪૦૪ મીમી વરસાદ નોંધાયો છે. આ પહેલા ૧ર૧ વર્ષ અગાઉ ૧૯૪૪ માં સપ્ટેમ્બરમાં સૌથી વધુ  ૪૧૭.૩ મીમી વરસાદ પડેલ. દિલ્હીમાં સીઝનનો કુલ વરસાદ ૧૧૭૦ મીમી નોંધાયો છે. ૧૯૬૪ માં ૧૧૯૦.૯ મીમી વરસાદનો રેકોર્ડ છે.

હવામાન ખાતાએ હિમાચલમાં આવતા બે દિવસ વરસાદની સંભાવના દર્શાવાની સાથે યલો એલર્ટ જાહેર કર્યુ છે. માહિતી મુજબ વરસાદના લીધે અહીં વીઝીબીસીટી ઓછી થશે અને તાપમાનનો પારો પણ ર થી ૩ ડીગ્રી નીચે જશે.

દિલ્હીના સફદરજંગ, વસંતકુંજ, પાલમ અને એનસીઆરમાં ગાઝીયાબાદ, છપરૌલા, નોઇડા, દાદરી, ગ્રેટર નોઇડામાં વરસાદ પડશે. જયારે હરિયાણા અને યુપીના પાનીપત, ગનૌર, હોડલ સાકોટી ટંડા, હસ્તિાનાપુર, ચાંદપુર, બરૌત, દૌરાલા, બાગપત, મેરઠ, મોદીનગર, બુલંદ શહેર, ખુર્જામાં પણ આજે વરસાદની ભારે શકયતા છે.

સાથો-સાથ આજથી પશ્ચિમ બંગાળ અને ઓડીશામાં વરસાદ થશે. રાજસ્થાન, ગુજરાતમાં આગલા ત્રણ દિવસ સુધી વરસાદની સંભાવના છે તથા હિમાચલ પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં જોરદાર  વરસાદ પડશે તો ઉતરાખંડમાં પણ રપ મી સુધી વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

(11:44 am IST)