Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

ફેડરલ રિઝર્વ બેંકે આપ્‍યો ઝટકો : સતત ત્રીજીવાર ૦.૭૫% વધાર્યો વ્‍યાજ દર

અમેરિકા સહિત દુનિયાભરના બજારોમાં કોહરામ મચ્‍યો

મુંબઈ તા. ૨૨ : અમેરિકાની કેન્‍દ્રિય બેંકે બુધવારે સતત ત્રીજીવાર વ્‍યાજ દરોમાં વધારો કર્યો છે. યુએસ ફેડરલ રિઝર્વએ વ્‍યાજ દરોમાં ૦.૭૫ ટકાનો વધારો કર્યો છે. સાથે જ ૨૦૨૩ સુધી વ્‍યાજ દરોમાં ૪.૬ ટકા સુધી જવાની શક્‍યતા દર્શાવી છે. હકીકતમાં વ્‍યાજ દરોમાં સતત વધારા પાછળ અમેરિકમાં બેફામ મોંઘવારી પ્રમુખ કારણ છે, અમેરિકામાં મોંઘવારી દર છેલ્લા ૪૦ વર્ષોમાં સૌથી ઉપરના સ્‍તરે છે, જેને કાબુમાં કરવા માટે ફેડરલ રિઝર્વ સતત વ્‍યાજ દરોમાં વધારો કરી રહી છે.

વોશિંગ્‍ટનમાં બે દિવસની બેઠકના અંતે ફેડરલ ઓપન માર્કેટ કમિટીએ ફરી કહ્યું કે મોંઘવારીને લઈને જોડાયેલા જોખમો માટે તેઓ એકદમ ચોક્કસ છે. કેન્‍દ્રીય બેંકે એ પણ કહ્યું કે અમને આશા છે કે આગામી દિવસોમાં વ્‍યાજ દરોમાં સતત વધારો ટાર્ગેટ રેન્‍જની મર્યાદમાં રહેશે. સાથે જ તેમણે મોંઘવારીને ફરી ૨ ટકાના દરે લાવવા માટેના પોતાના ઉદ્દેશ્‍ય અંગે વધુએકવાર પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

યુએસ ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલેએ મીટિંગ બાદ વ્‍યાજદરમાં વધારો કરવાના નિર્ણય અંગે મીડિયાને માહિતી આપી હતી. તેમણે કહ્યું કે વ્‍યાજદરમાં વધારો કરવાનો નિર્ણય સર્વસંમતિથી લેવામાં આવ્‍યો છે અને તેની સાથે જ સેન્‍ટ્રલ બેંકનો બેન્‍ચમાર્ક ફંડ રેટ હવે ૩્રુથી વધીને ૩.૨૫%ની રેન્‍જમાં પહોંચી ગયો છે. જે ૨૦૦૮ની નાણાકીય કટોકટી પછી અત્‍યાર સુધીનો સૌથી વધુ છે. એ પણ રસપ્રદ છે કે આ વર્ષે ૨૦૨૨ની શરૂઆતમાં આ દર ઝીરો ટકા હતો. જો કે, આ પછી વૈશ્વિક ફુગાવાના કારણે યુએસ ફેડને તેના વ્‍યાજદરમાં આક્રમક વધારો કરવાની ફરજ પડી હતી.

માર્કેટમાં અફરાતફરી વચ્‍ચે બીજુ કારણ એ પણ છે કે ફેડરલ રિઝર્વ આગામી સમયામાં પણ વ્‍યાજ દર ફરી વધારી શકે તેવી પૂરી શક્‍યતા છે. ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે જણાવ્‍યું હતું કે US ફેડ પોતાના વ્‍યાજ દરોમાં વધુ વધારો કરી શકે છે. સમિતિના સભ્‍યોએ આ વર્ષના અંત સુધીમાં વ્‍યાજ દર ૪.૪% અને ૨૦૨૩ ના અંત સુધીમાં ૪.૬% સુધી પહોંચવાની શક્‍યતા દર્શાવી હતી. જે સૂચવે છે કે ફેડરલ રિઝર્વ નવેમ્‍બરમાં યોજાનારી બેઠકમાં ફરી એકવાર વ્‍યાજ દરોમાં ૦.૭૫ ટકાનો વધારો કરી શકે છે.

ફેડ રેટ હાઈકથી અમેરિકા અને અન્‍ય વૈશ્વિક બજારની જેમ ભારતીય બજારોએ પણ વેચવાલી તરફી વલણ અપનાવ્‍યું હતું અને યુએસ ફેડ દ્વારા વ્‍યાજ દરોમાં વધારો કરવામાં આવે તે પહેલા ભારતીય શેરબજારોએ બુધવારે પોતાની સતત બે દિવસની તેજીને બ્રેક મારીને ઘટાડા તરફી વલણ અપનાવ્‍યું હતું. ભારતીય બજારો બુધવારે ખૂબ જ વધારે ઉતાર ચઢાવવાળા સત્રના અંતે ઘટાડા સાથે બંધ થયા હતા. ત્‍યારે હવે જયારે યુએસ ફેડ દ્વારા વ્‍યાજ દરોમાં સતત ત્રીજીવાર વધારો કરવામાં આવ્‍યો છે તો રોકાણકારો વધુ સતર્કતા સાથે જોવા મળશે અને બજારમાં ખરીદી વધુ તંગ થયેલી.

(10:14 am IST)