Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

ઝારખંડમાં ૧,૦૦૦ કરોડ રૂપિયાથી પણ વધારેનું ગેરકાયદેસર ખનન

ઈડીએ ગત ૧૯ જુલાઈના રોજ મુખ્‍યમંત્રી હેમંત સોરેનના ધારાસભ્‍ય -તિનિધિ પંકજ મિશ્રાની ધરપકડ કરી હતી

નવી દિલ્‍હી, તા.૨૨: ઈડી દ્વારા કરવામાં આવેલા ખુલાસા પ્રમાણે ઝારખંડના સંથાલ પરગણામાં ૧,૦૦૦ કરોડથી પણ વધારેનું ગેરકાયદેસર ખનન કરવામાં આવ્‍યું છે. ગેરકાયદેસર ખનન દરમિયાન મુખ્‍યમંત્રી હેમંત સોરેનના ધારાસભ્‍ય પ્રતિનિધિ પંકજ મિશ્રાએ આશરે ૪૨ કરોડ રૂપિયાની ગેરકાયદેસર સંપત્તિ અર્જિત કરી હતી.
મુખ્‍યમંત્રી સોરેનના ધારાસભ્‍ય પ્રતિનિધિ પંકજ મિશ્રા, બચ્‍ચૂ યાદવ અને પ્રેમ પ્રકાશ સામે દાખલ કરવામાં આવેલા આરોપ પત્ર મામલે આ ખુલાસો કરવામાં આવ્‍યો છે.
ઉલ્લેખનીય છે કે, ઈડીએ ગત ૧૯ જુલાઈના રોજ મુખ્‍યમંત્રી હેમંત સોરેનના ધારાસભ્‍ય પ્રતિનિધિ પંકજ મિશ્રાની ધરપકડ કરી હતી.
ઉપરાંત ઈડીએ ઝારખંડમાં સત્તા ક્ષેત્રે પ્રતિષ્‍ઠિત નામ ધરાવતા પ્રેમ પ્રકાશની ૨૫મી ઓગષ્ટના રોજ અને પંકજ મિશ્રાના ખાસ સહયોગી અને આરોપી બચ્‍ચૂ યાદવની ૪ ઓગષ્ટના રોજ ધરપકડ કરી હતી. ત્રણેય આરોપી હાલ ન્‍યાયિક કસ્‍ટડીમાં છે.
ઈડીના કહેવા પ્રમાણે મની લોન્‍ડ્રિંગ અને ગેરકાયદેસર ખનન મામલે અત્‍યાર સુધીમાં ૪૭થી પણ વધારે સ્‍થળોએ દરોડા પાડવામાં આવ્‍યા છે. તે દરમિયાન ૫.૩૪ કરોડ રૂપિયા રોકડા, ૧૩.૩૨ કરોડ રૂપિયા બેંક રાશિમાં જમા, ૩૦ કરોડનું જહાજ, ૫ સ્‍ટોન ક્રેશર, ૨ ટ્રક પણ જપ્ત કરવામાં આવ્‍યા હતા. પ્રેમ પ્રકાશના ઘરે દરોડા દરમિયાન ૨ એકે-૪૭ રાઈફલ પણ મળી આવી હતી. જોકે ઝારખંડ પોલીસે તે પોતાની હોવાનો દાવો કર્યો હતો.
ઈડીએ આ વર્ષે માર્ચ મહિના દરમિયાન પંકજ મિશ્રા અને તેમના અન્‍ય સહયોગીઓ સામે પીએમએલએ (PMLA) અંતર્ગત કેસ દાખલ કરીને દરોડા પાડવાનું શરૂ કર્યું હતું. તપાસ એજન્‍સીઓ દ્વારા એવો આરોપ લગાવવામાં આવ્‍યો હતો કે, પંકજ મિશ્રાએ ગેરકાયદેસર રીતે મોટા પાયે કરોડો રૂપિયાની સંપત્તિ એકઠી કરી છે.

 

(3:42 pm IST)