Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

હિજાબ વિવાદ પર ૧૦ દિવસની ચર્ચા બાદ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂરીઃ નિર્ણય સુરક્ષિત

નવી દિલ્‍હી, તા.૨૨: કર્ણાટક હિજાબ કેસમાં સુપ્રીમ કોર્ટે આજે ગુરુવારે લાંબી સુનાવણી બાદ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્‍યો છે. દેશની સર્વોચ્‍ચ અદાલતમાં આ સુનાવણી ૧૦ દિવસ સુધી ચાલી. કોર્ટ હવે તેના નિર્ણયમાં નક્કી કરશે કે કર્ણાટક હાઈકોર્ટ દ્વારા હિજાબ પર પ્રતિબંધ વિશે આપવામાં આવેલ નિર્ણય યોગ્‍ય છે કે નહીં. સુનાવણી દરમિયાન ગઈકાલે કોર્ટે અરજદારોને તેમની દલીલો વહેલી તકે પૂરી કરવા કહ્યું હતું. સુપ્રીમ કોર્ટમાં ૧૦ દિવસની સુનાવણી બાદ જસ્‍ટિસ હેમંત ગુપ્તા અને જસ્‍ટિસ સુધાંશુ ધુલિયાની બેન્‍ચે હિજાબ વિવાદ પર સુનાવણી પૂરી થવાની જાહેરાત સાથે નિર્ણય સુરક્ષિત રાખ્‍યો હતો. આ સાથે બેન્‍ચે એમ પણ કહ્યું કે હવે જેમને લેખિત દલીલો આપવાની હોય તેઓ આપી શકે છે. સંજય હેગડેના એક શેર સાથે ચર્ચાનો અંત આવ્‍યો. તેને કહ્યું, ‘ઉન્‍હેં શોખ હે તુમ્‍હે બેપર્દા દેખને કા, તુમ્‍હે શર્મ આતી હો તો અપની આંખો પર હથેળીઓ રખ લો.'
આ દરમિયાન સુપ્રીમ કોર્ટે હિજાબ પ્રતિબંધ વિવાદમાં આવતીકાલે એટલે કે બુધવારે અરજદારોને એક કલાકમાં તેમની દલીલો પૂરી કરવાની સલાહ આપતા કહ્યું કે તેઓ તેમની ધીરજ ગુમાવી રહ્યા છે. નવમા દિવસે આ મામલાની સુનાવણી દરમિયાન સર્વોચ્‍ચ અદાલતે કહ્યું કે તે અરજદારોના વકીલોને ગુરુવારે તેમની દલીલો પૂરી કરવા માટે માત્ર એક કલાકનો સમય આપશે.
આ પહેલા કર્ણાટક સરકારે કાલે એટલે કે બુધવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન કોર્ટને જાણ કરી હતી કે રાજ્‍ય સરકારે હિજાબ પ્રતિબંધ વિવાદમાં કોઈપણ ‘ધાર્મિક પાસાં' પર સ્‍પર્શ કર્યો નથી અને આ પ્રતિબંધ ફક્‍ત વર્ગખંડ પૂરતો મર્યાદિત છે. રાજ્‍ય સરકારે એમ પણ કહ્યું કે વર્ગખંડની બહાર શાળાના પરિસરમાં પણ હિજાબ પર પ્રતિબંધ નથી. રાજ્‍ય સરકાર માટે હાજર રહેલા વકીલે આગ્રહ કર્યો કે રાજ્‍યએ માત્ર એટલું જ કહ્યું છે કે શૈક્ષણિક સંસ્‍થાઓ વિદ્યાર્થીઓ માટે ગણવેશ નક્કી કરી શકે છે, જેનો ધર્મ સાથે કોઈ સંબંધ નથી.
કર્ણાટકના એડવોકેટ જનરલ -ભુલિંગ કે. નવદગીએ જસ્‍ટિસ હેમંત ગુપ્તા અને જસ્‍ટિસ સુધાંશુ ધુલિયાની બેન્‍ચને કહ્યું કે ફ્રાન્‍સ જેવા દેશોએ હિજાબ પર પ્રતિબંધ મૂકયો છે અને ત્‍યાંની મહિલાઓ તેનાથી ઓછી ઈસ્‍લામિક બની નથી. નવદગીએ કહ્યું કે જ્‍યાં સુધી એવું બતાવવામાં ન આવે કે હિજાબ પહેરવું ફરજિયાત છે અને ધાર્મિક પ્રથાનો આવશ્‍યક ભાગ છે, ત્‍યાં સુધી બંધારણની કલમ ૨૫ હેઠળ રક્ષણ આપી શકાય નહીં.
એડવોકેટ સોલિસિટર જનરલે બેન્‍ચને કહ્યું, ‘અમે શાળાની બહાર હિજાબ પહેરવા પર પ્રતિબંધ નથી મૂકતા.. શાળાના પરિસરમાં પણ કોઈ પ્રતિબંધ નથી. પ્રતિબંધ ફક્‍ત વર્ગખંડની અંદર છે.' સુપ્રીમ કોર્ટે રાજ્‍યની શૈક્ષણિક સંસ્‍થાઓમાં હિજાબ પરનો પ્રતિબંધ હટાવવાનો ઈનકાર કરતા કર્ણાટક હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અરજીઓ પર સુનાવણી કરી રહી હતી.

 

(3:51 pm IST)