Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

મુંબઈ પોલીસ દ્વારા કંગના રનૌત અને તેની બહેન રંગોલીને સમન્સ પાઠવી પૂછપરછ માટે બોલાવાઇ

બંનેને 26 અને 27 ઓક્ટોબરના દિવસે પૂછપરછ માટે સમન્સ

મુંબઈ : સુશાંત સિંહ રાજપૂતનાં નિધન બાદ સતત વિવાદોમાં રહેલી બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતની મુશ્કેલીઓમાં વધારો થયો છે. મુંબઈ પોલીસે કંગના અને તેની બહેન રંગોલીને પૂછપરછ માટે બોલાવ્યા છે. પ્રાપ્ત માહિત અનુસાર બંનેને 26 અને 27 ઓક્ટોબરના રોજ સમન્સ પાઠવવામાં આવ્યા છે.

કંગના અને તેની બહેન વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 295 (એ) 153 (એ) અને 124 (એ) હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી. કાસ્ટિંગ ડિરેક્ટર સાહિલ અશરફ અશેદ સૈયદની ફરિયાદ બાદ બાન્દ્રા કોર્ટે તાજેતરમાં કંગના અને તેની બહેન વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે.

સાહિલ અશરફ સૈયદ નામના અરજદારે અદાલતમાં અરજી કરી હતી, જેમાં કંગનાના ટ્વીટને ભડકાઉ ગણવામાં આવ્યું હતું. પિટિશનમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે કંગના ટીવી ચેનલો પર ઈન્ટરવ્યું અને તેના ટ્વિટ્સ દ્વારા હિન્દુ અને મુસ્લિમ કલાકારો વચ્ચે ભેદ રેખા દોરી રહી છે.

તે જ સમયે, 13 ઓક્ટોબરે, કર્ણાટક પોલીસે કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરાયેલા કૃષિ કાયદાઓનો વિરોધ કરતા લોકો પરની ટિપ્પણી માટે કંગના સામે કેસ નોંધ્યો હતો. તુમાકુરુ પોલીસે કોર્ટના આદેશથી કેસ નોંધ્યો હતો. હકીકતમાં એડવોકેટ રામેશ નાયકે તાજેતરમાં જ એક ટ્વિટર સંદેશમાં કંગનાની પોસ્ટ સામે ફરિયાદ નોંધાવી હતી કે તેનાથી તેમની ભાવનાઓને ઠેસ પહોંચે છે અને આ માટે અભિનેત્રી વિરુદ્ધ કાર્યવાહી થવી જોઇએ.

 

બાંદ્રા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાયા બાદ કંગનાએ તેની પ્રતિક્રિયા આપતા લખ્યું હતું કે, “આ દરમિયાન મારી સામે બીજી એફઆઈઆર નોંધાઈ છે.”લાગે છે કે, મહારાષ્ટ્રની પપ્પુ સૈન્ય મને ખૂબ યાદ કરી રહી છે. મને બહુ યાદ કરશો નહીં હું જલ્દીથી ત્યાં આવું છું. ‘

(12:00 am IST)