Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

વેકિસનથી થોડી રાહત થશે પણ કોરોના કયારેય ખતમ નહીં થાય

કોરોના વાયરસ બીમારીને લઈને બ્રિટનના ટોપ વૈજ્ઞાનિક સલાહકારના દાવાથી લોકોની ચિંતા વધી ગઈ છે

 લંડન,તા.૨૨ : કોરોના વાયરસ બીમારીને લઈને બ્રિટનના ટોપ વૈજ્ઞાનિક સલાહકારના દાવાથી લોકોની ચિંતા વધી ગઈ છે. કોરોના મહામારી માટે રચિત બ્રિટિશ સરકારની સલાહકાર સમિતિના એક ટોપના વૈજ્ઞાનિકે કહ્યું કે કોરોના વાયરસને કયારેય ખત્મ કરી શકાશે નહીં. કોરોના હંમેશા લોકોની વચ્ચે રહેશે. વૈજ્ઞાનિકે એમ પણ કહ્યું કે એક વેકસીન વર્તમાન સ્થિતિને થોડીક સારી બનાવવામાં મદદ જરુર કરશે.

બ્રિટિશ સરકારની સાયન્ટિફિક એડવાઈઝરી ગ્રુપ ઓફ ઈમરજન્સીના એક સભ્ય જોન એડમંડ્સે સાંસદોને સંબોધન કરતા કહ્યું કે આપણે કાયમ માટે વાયરસ સાથે રહેવાના છીએ. એ બાબતની ખૂબ ઓછી શકયતા છે કે તેનો નાશ થશે. તેમણે એમ પણ કહ્યુ કે આપણે શિયાળાના અંત સુધી કોરોના વાયરસની કોઈ પણ વેકસીન જરુર બનાવી લઈશું, જેનાથી આપણને કોરોના સામે લડવામાં મદદ મળી રહેશે.

યૂરોપના અન્ય દેશોની જેમ બ્રિટન પણ કોરોના વાયરસની દ્વિતીય લહેરની ચપેટમાં છે. દેશમાં લાગેલાં કેટલાય પ્રતિબંધો છતાં મંગળવારે બ્રિટનમાં કોરોના વાયરસના ૨૧૦૦૦થી વધુ કેસ નોંધાયા છે. બ્રિટનમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા લોકડાઉન છતાં ઝડપથી વધી રહી છે.

બ્રિટિશ વૈજ્ઞાનિકે એમ પણ કહ્યું કે આપણને વેકસીનથી કેટલીક મદદ મળી શકે છે તો તેનો ચોક્કસ પણે ઉપયોગ કરવો જોઈએ. આપણે કોઈ પણ સંજોગોમાં કોરોના ચેપના કેસો જેટલો ઓછો રહે એટલા પ્રયાસ કરવા જોઈએ. એ દિવસો હવે દૂર નથી જયારે આપણે વેકસીન બનાવી લઈશું. અહીંયા નોંધનીય છે કે, કોરોના વાયરસની વેકસીન બનાવવાના પ્રયાસોમાં બ્રિટન સૌથી આગળ છે.

(12:48 pm IST)