Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

વેક્સિન અને ખોટા વચનો તમને ક્યારે મળશે ? : જાણવા માટે તમારા રાજ્યની ચૂંટણી તારીખ જોઈ લ્યો :રાહુલ ગાંધીનો કટાક્ષ

હવે દેશવાસી રાજ્યવાર ચૂંટણીના કાર્યક્રમને જોઈને જાણકારી મેળવે કે તેને કોરોના વેક્સિન ક્યારે મળશે.

નવી દિલ્હીઃ ચૂંટણી ઘોષણાપત્રમાં બિહારના લોકો માટે ફ્રીમાં કોરોના વેક્સિનનું વચન આપીને ભાજપ ફસાયુ છે. વિપક્ષી પાર્ટીઓ તેના પર હુમલા કરી રહી છે. આ વચ્ચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કટાક્ષ કર્યો છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે- હવે દેશવાસી રાજ્યવાર ચૂંટણીના કાર્યક્રમને જોઈને જાણકારી મેળવે કે તેને કોરોના વેક્સિન ક્યારે મળશે.

રાહુલ ગાંધીએ કટાક્ષભર્યા સ્વરમા ટ્વીટ કર્યુ- ભારત સરકારે કોવિડ વેક્સિન વિતરણની જાહેરાત કરી દીધી છે. તે જાણવા માટે વેક્સિન અને ખોટા વાયદા તમને ક્યારે મળશે, મહેરબાની કરીને તમારા રાજ્યની ચૂંટણીની તારીખો જોઈલો.

અત્રે ઉલ્લેખનીય છે કે નાણામંત્રી નિર્મલા સીતારમને બિહાર ચૂંટણી માટે ભાજપનું ઘોષણાપત્ર જાહેર કર્યું હતું. તેમાં વચન આપવામાં આવ્યું કે, એનડીએની સરકાર આવી તો દરેક બિહારવાસીનું ફ્રીમાં રસીકરણ કરાવવામાં આવશે.

ભાજપની આ જાહેરાત બાદ અનેક પક્ષોએ હુમલો કર્યો છે. આરજેડી નેતા તેજસ્વી યાદવે કહ્યુ કે, કોરોનાની વેક્સિન દેશની છે, ભાજપની નહીં. અન્ય રાજકીય પાર્ટીઓ પણ સવાલ કરી રહી છે કે તેમના રાજ્યોમાં આ માટે જાહેરાત કેમ કરવામાં આવી નથી.

(7:32 pm IST)