Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd December 2020

પાકિસ્તાન સામે નવા વર્ષે મહાસંકટ : રાંધણ ગેસની અછત

અછતથી આ સંકટ વિકરાળ રૂપ લેતુ જોવા મળી રહ્યું છે

ઈસ્લામાબાદ,તા. ૨૨: પાકિસ્તાનના લોકો માટે નવું ખુશીઓ નહીં, પરંતુ મુશ્કેલીઓ લઈને આવી રહ્યું છે. પાકિસ્તાનમાં ગેસની સપ્લાય કરતી કંપની સુઈ નોર્ધનને ૫૦૦ મિલિયન સ્ટાન્ડર્ડ કયૂબિક ફુટ પ્રતિદિન ગેસની અછતનો સામનો કરવો પડશે. ગેસની ભારે અછતને કારણે કંપનીની પાસે પાવર સેકટરને ગેસની આપૂર્તિ રોકવા ઉપરાંત કોઈ વિકલ્પ નહીં રહે.

પાકિસ્તાનના ન્યૂઝ પેપર ધ ન્યૂઝ મુજબ, વિજળી સેકટરને એલએનજી આપવાનું ઘટાડીને તેને ઘર વપરાશ માટે આપવાથી સંકટ ઓછું નથી થઈ રહ્યું. તે પછી પણ ૨૫૦ મિલિયન સ્ટાન્ડર્ડ કયૂબિક ફુટ પ્રતિદિન ગેસની અછત રહેશે. અધિકારીઓએ ઉઘોગોને પણ અપાતા આરએલએનજીમાં પણ સપ્તાહમાં એક દિવસનો કાપ મુકવો પડશે. માનવામાં આવી રહ્યું છે કે, ૪થી૨૦ જાન્યુઆરીની વચ્ચે ગેસની સૌથી વધુ અછત રહેશે.

પાકિસ્તાનની ઈમરાન ખાન સરકારે સમયસર ગેસ ન ખરીઘો, જેના કારણે હવે દેશની જનતાને ભોગવવું પડી રહ્યું છે. પાકિસ્તાનના અધિકારીઓએ જણાવ્યું કે, ફર્ટિલાઈઝર ઈન્ડસ્ટ્રીને પહેલા જ ગેસ આપવાનું રોકી દેવાયું છે. આ સંકટમાં એ સમયે ઘણો વધારો થઈ ગયો, જયારે નાઈઝેરિયાથી ગેસ લઈને આવી રહેલું ટેન્કર ચાર દિવસ મોડું પડ્યું. આ દરમિયાન ગેસની આપૂર્તિમાં અડચણ આવવાથી પંજાબ અને અન્ય રાજયોમાં લોકોને ગેસના વપરાશમાં ઘટાડો કરવા મજબૂર થવું પડ્યું છે. સરકાર હવે ઉઘોગોની ગેસ રોકીને લોકોના ઘરોમાં આપૂર્તિ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ અહેવાલ આવ્યા હતા કે પાકિસ્તાનમાં મોંઘવારીના મારથી લોકોની કમર તૂટી રહી છે. પાકિસ્તાનમાં શાકભાજીના ભાવ આસમાને આંબી રહ્યા છે. ઈમરાન ખાનના પૂર્વ પત્ની રેહમ ખાને એક પાકિસ્તાની ન્યૂઝ ચેનલનો વિડીયો ટ્વિટ કર્યો હતો, તેમાં જણાવાયું હતું કે, રાવલપિંડીમાં આદુ ૧૦૦૦ રૂપિયે કિલોના ભાવે વેચાઈ રહ્યું હતું. શિમલા મિર્ચનો ભાવ પણ ૨૦૦ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો હતો. પાકિસ્તાનમાં મોંઘવારી વધી રહી છે ત્યારે વડાપ્રધાન ઈમરાન ખાન ખાંડના ભાવ ઘટવાને લઈને પોતાની પીઠ થપથપાવી રહ્યા હોવાથી લોકો ટીકા કરી રહ્યા છે. જણાવી દઈએ કે, એક મહિના પહેલા જ પાકિસ્તાનમાં લોટના ભાવને લઈને હાહાકાર મચ્યો હતો.

(9:57 am IST)