Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd December 2020

૨૪ કલાકમાં સૌથી ઓછા કેસ કોરોના જંગ જીતવાની નજીક ભારત

લગભગ ૬ મહિના બાદ કોરોના વાયરસના નવા કેસની સંખ્યા ૨૦,૦૦૦ની નીચે નોંધવામાં આવી : ૨૪ કલાકમાં ૧૯૫૫૬ કેસ : ૩૦૧ના મોત : એકટીવ કેસ પણ ૩ લાખની અંદર : કુલ કેસ ૧,૦૦,૭૫,૧૧૬

નવી દિલ્હી તા. ૨૨ : ભારતમાં કોરોના વાયરસના કેસમાં આજે ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. લગભગ છ મહિના બાદ નવા કેસની સંખ્યા ૨૦,૦૦૦થી ઓછી નોંધવામાં આવી છે. જે કોવિડ-૧૯ સામે જંગ લડી રહેલા ભારત માટે સારા સમાચાર છે. ૨ જુલાઇ બાદ પહેલીવાર આંકડો ૨૦ હજારની અંદર નોંધાયો છે.

ભારતમાં હવે કોરોનાનું જોર ધીમું પડતું હોય એવું લાગી રહ્યું છે. મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૯,૫૫૬ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૩૦૧ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૧,૦૦,૭૫,૧૧૬ થઈ ગઈ છે  વિશેષમાં, ભારતમાં કોવિડ-૧૯ ની મહામારી સામે લડીને ૯૬ લાખ ૩૬ હજાર ૪૮૭ લોકો સાજા પણ થઇ ચૂકયા છે. ૨૪ કલાકમાં ૩૦,૩૭૬ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૨,૯૨,૫૧૮ એકિટવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧,૪૬,૧૧૧ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. 

રીકવરી ૧૬૦ દિવસ બાદ સૌથી વધુ એકટીવ કેસ ૩ લાખથી નીચે ગયા છે. જે કુલ કેસના ૩ ટકા છે.

 નોંધનીય છે કે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ મંગળવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨૧ ડિસેમ્બર સુધીમાં ભારતમાં કુલ ૧૬,૩૧,૭૦,૫૫૭ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ રવામાં આવ્યું છે. નોંધનીય છે કે, સોમવારના ૨૪ કલાકમાં ૧૦,૭૨,૨૨૮ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

 બીજી તરફ ગુજરાતમાં પણ કોરોનાનું જોર ઘટ્યું છે. રાજયમાં ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૯૬૦ કેસ નોંધાયા છે. જેની સામે ૧૨૬૮ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજયમાં કોવિડ-૧૯ના કારણે ૭ દર્દીઓના મોત થયા છે. રાજયમાં કુલ મૃત્યુઆંક ૪૨૪૧ થયો છે. રાજયમાં કોરોનાના કુલ કેસ ૨,૩૬,૨૫૯ નોંધાયા છે. જેમાંથી એકિટવ કેસ ૧૧,૬૨૫ છે. આજે રાજયમાં કુલ ૫૪,૬૧૨ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજયમાં સાજા થવાનો દર ૯૩.૨૮ ટકા છે.

(3:00 pm IST)