Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd December 2020

સોનાની આયાત છેલ્લા આઠ મહિનામાં 40 ટકા ઘટી 12.3 અબજ ડોલર થઈ : નવેમ્બરમાં 2.65 ટકા વધી

ચાંદીની આયાત 65.7 ટકા ગગડીને 75.2 કરોડ ડોલર થઈ: સોના ચાંદીની આયાત ઘટતા વેપાર ખાદ્યમાં પણ ઘટાડો

નવી દિલ્હી:સોનાની આયાત એપ્રિલથી નવેમ્બર દરમિયાન 40 ટકા ઘટીને 12.3 અબજ ડોલર થઈ હતી. કોરોનાને કારણે સોના સંબંધિત બિઝનેસને અસર થતા આયાત પર પણ અસર પડી હતી.સોનાની આયાત ગયા વર્ષે આ ગાળામાં 20.6 અબજ ડોલર થઈ હતી. નવેમ્બરમાં સોનાની આયાત 3 અબજ ડોલર થઈ હતી, જે ગયા વર્ષે નવેમ્બરમાં થયેલી આયાત કરતાં 2.65 ટકા વધારે છે. ચાંદીની આયાત એપ્રિલથી નવેમ્બરના આઠ મહિના દરમિયાન 65.7 ટકા ગગડીને 75.2 કરોડ ડોલર થઈ હતી.

જોકે સોના-ચાંદીની આયાત ઘટવાથી દેશની વ્યાપાર ખાધ(ટ્રેડ ડેફિસિટ)માં પણ ઘટાડો થયો હતો. વ્યાપાર ખાધ એપ્રિલ-નવેમ્બર દરમિયાન ઘટીને 42 અબજ ડોલર થઈ હતી, જે ગત વર્ષે આ ગાળામાં 113.42 અબજ ડોલર હતી. સોનાની આયાતમાં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમ પર છે. જ્વેલરી ઉદ્યોગમાં સોનાની સૌથી વધુ માંગ જોવા મળે છે. વોલ્યૂમની દૃષ્ટિએ વર્ષે સરેરાશ 800-900 ટન સોનાની આયાત થાય છે.

ચાલુ વર્ષના પ્રથમ આઠ મહિનામાં જેમ્સ-જ્વેલરીની નિકાસ 44 ટકા ઘટીને 14.30 અબજ ડોલર થઈ હતી. કોરોના અને લોકડાઉનને કારણે નિકાસ પર પણ વ્યાપક અસર થઈ હતી. નવેમ્બરમાં જેમ્સ-જ્વેલરીની નિકાસ માત્ર 3 કા ઘટીને 2.48 અબજ ડોલર થઈ હતી. ઓક્ટોબરમાં નિકાસ 19.02 ટકા ઘટીને 2.92 અબજ ડોલર થઈ હતી.

(12:01 pm IST)