Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd December 2020

UKથી દિલ્હી આવેલા ૫નો રિપોર્ટ પોઝિટિવઃ કોવિડ-૧૯નો નવો પ્રકાર હોવાની શંકા

કોરોના વાયરસનો નવો પ્રકાર ભારતમાં પ્રવેશ્યો હોવાની આશંકાઃ દર્દીઓના રિપોટર્સ તપાસ માટે મોકલાયા

નવી દિલ્હી, તા.૨૨: કોરોના વાયરસના નવા સ્ટ્રેન વાયરસે ફરી એકવાર બધાને હચમચાવી દીધી છે. યુકેમાં દેખાયેલા સ્ટ્રેનના કારણે ત્યાંથી આવતી ફ્લાઇટ્સને અટકાવી દેવાનો ભારત સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આ વિદેશથી આવતા લોકોની તપાસ પણ કરવામાં આવી રહી છે. આવામાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષ વર્ધન દ્વારા એ પણ જણાવવામાં આવ્યું કે ચિંતા કરવાની જરુર નથી, સરકાર આ બાબતે સતર્ક છે.

ગઈકાલે રાત્રે લંડનથી દિલ્હી આવેલી ફ્લાઈટમાં ૨૬૬ પેસેન્જર્સ અને ક્રૂ મેમ્બર્સ હતા, જેમાંથી ૫ના કોરોના રિપોર્ટ્સ પોઝિટિવ આવ્યા છે. તેમના સેમ્પલને વધારે તપાસ માટે NCDC મોકલવામાં આવ્યા છે. જયારે પોઝિટિવ આવેલા દર્દીઓને કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યા છે.

લંડનથી આવેલા અને કોરોના પોઝિટિવ આવેલા આ ૫ દર્દીઓમાં કોવિડ-૧૯નો નવો પ્રકાર હોવાની આશંકાને ધ્યાનમાં રાખીને દર્દીઓની ખાસ કાળજી રાખવામાં આવી રહી છે, આ સાથે તેમના તપાસ માટે મોકલાયેલા ટેસ્ટના રિપોર્ટ્સ આવ્યા બાદ વધુ માહિતી મેળવી શકાશે.

ગઈકાલે યુકેથી આવતી ફ્લાઈટ્સ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો તે પહેલા જ શિડ્યુલ થઈ ચૂકેલી બે ફ્લાઈટ ભારત આવી પહોંચી છે. કોવિડ સ્ટ્રેન વાયરને ધ્યાનમાં રાખીને ભારત સરકાર દ્વારા યુકેથી આવતી ફ્લાઈટ પર અમૂક સમય માટે રોક લગાવી દીધી છે. રાત્રે આવી પહોંચેલી બે ફ્લાઈટ ડેડલાઈન પહેલા આવી પહોંચી છે, જેમાં આવેલા મુસાફરોના RT-PCR ટેસ્ટ એરપોર્ટ પર જ ગેનસ્ટ્રિંગ લેબ દ્વારા કરવામાં આવ્યા છે.

૨૬૬ ટેસ્ટમાંથી ૫ લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે, હવે તેમને સ્વાસ્થ્ય કર્મીઓની નજર હેઠળ રાખવામાં આવ્યા છે. જો તેમનામાં નવા સ્ટ્રેનના લક્ષણો દેખાશે તો તે પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવી શકે છે.

૧ જુલાઈ બાદ પહેલી વાર ભારતમાં ૨૪ કલાકમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસનો આંકડો ૨૦,૦૦૦ની નીચે ગયો છે. જયારે ૧૬૩ દિવસ પછી ભારતમાં એકિટવ કેસનો આંકડો ૩ લાખની અંદર પહોંચ્યો છે.

(3:32 pm IST)