Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd December 2020

કાશ્મીર ખીણમાં ભાજપની ૩ બેઠકો પર વિજય સાથે એન્ટ્રી

જમ્મુ-કાશ્મીર જિલ્લા પરિષદની ચૂંટણીના પરિણામ : ડીડીસીની ચૂંટણીમાં પીએજીડી ૧૧૨, ભાજપ ૬૮, કોંગ્રેસ ૨૩ સીટ પર આગળ, અપક્ષોની ભૂમિકા મહત્વની રહેશે

જમ્મુ/શ્રીનગર, તા. ૨૨ : જમ્મુ-કાશ્મીરના જિલ્લા વિકાસ પરિષદ (ડીડીસી) ચૂંટણીમાં આશા અનુસાર જમ્મુમાં બીજેપી, તો અનુચ્છેદ ૩૭૦ દૂર કર્યા પછી પીપલ્સ અલાયન્સ ફોર ગુપકર ડિક્લેરેશન (પીએજીડી) ઘાટીમાં મોટી જીત મેળવતું જોવા મળે છે. અત્યાર સુધીમાં પરિણામની મોટી વાત એ છે કે ઘાટીમાં બીજેપીએ એન્ટ્રી કરીને ૩ સીટ પર જીત મેળવી છે. આ સાથે જ મોટી સંખ્યામાં અપક્ષ ઉમેદવારોની લીડ પણ ચોંકાવનારી છે. જો આ લીડ પરિણામમાં ફેરવાશે તો જમ્મુ કાશ્મીરના અલગ અલગ જિલ્લાઓમાં અધ્યક્ષ બનાવવામાં અપક્ષ ઉમેદવાર નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે.

નેશનલ કોન્ફરન્સ અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી સહિત સાત દળનું ગઠબંધન ગુપકર વલણમાં ૧૧૨ ડીડીસી સીટ પર આગળ છે. જ્યારે બીજેપી ૬૮ સીટ પર લીડ મેળવી રહી છે. કોંગ્રેસ ૨૩ સીટ પર આગળ છે. ઘાટીમાં બીજેપી માટે એક ખુશખબર એ છે કે ૩ સીટ પર તેનું ખાતું ખૂલ્યું છે.

જમ્મુ કાશ્મીર જિલ્લા વિકાસ પરિષદના પરિણામોમાં ગુપકાર ગઠબંધન આગળ ચાલી રહ્યુ છે પરંતુ બીજેપીએ મુસ્લિમ બહુવિસ્તાર કાશ્મીર ઘાટીમાં એક સીટ જીતીને એક રીતે તો રેકોર્ડ જ બનાવ્યો છે. નોંધનીય છે કે બીજેપી સામે ૭ દળોએ ગુપકાર ગઠબંધન બનાવીને એક સાથે ચૂંટણી લડી છે. ગુપકાર ગઠબંધનમાં નેશનલ કોન્ફેરન્સ, પીડીપી, પીપલ્સ કોન્ફ્રેન્સ, આવામી નેશનલ કોન્ફ્રેન્સ, જમ્મુ એન્ડ કાશ્મીર પીપલ્સ મૂવમેન્ટ સાથે જ સીપીઆઈ અને સીપીએમનો સમાવેશ થાય છે.

કાશ્મીર ઘાટીમાં મુસ્લીમોની વસતી વધારે છે અને અહીં બે સીટ પર બીજેપીની જીત ખૂબ જ મહત્વની છે. બીજેપીના ઉમેદવાર એઝાઝ હુસૈને અહીં જીત પછી કહ્યું કે, અમે ગુપકાર ગઠબંધનના ઉમેદવાર સામે લડાઈ લડી અને બીજેપી આજે શ્રીનગરમાં વિજયી બન્યું. હું જમ્મુ-કાશ્મીર અને સુરક્ષાદળોના લોકોને શુભેચ્છા પાઠવું છું' બીજેપી નેતા રામમાધવે હુસૈનને જીતની શુભેચ્છા પાઠવી છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે, ભારતીય જનતા યુવા મોર્ચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ એઝાઝને જીત માટે શુભેચ્છા. ડીડીસી ચૂંટણીમાં કાશ્મીરની બલ્હામા સીટ પર જીત માટે શુભેચ્છા.

કાશ્મીર ઘાટીની અન્ય સીટ પર પણ કમળ ખીલ્યું છે. કાશ્મીરમાં ઉમેદવારોની જીતથી બીજેપી ઉત્સાહમાં છે. શાહનવાઝ હુસૈને જીતની શુભેચ્છા પાઠવી છે. બાંદીપોરા જિલ્લાના તુલાલ સીટ પર બીજેપીના ઉમેદવાર એઝાઝ અહેમદે જીત મેળવી છે તો પુલવામા જિલ્લાની કાકપોરા સીટપર બીજેપીના મુન્હા લતીફે જીત નોંધાવી છે. ઘાટીમાં કમળ ખીલવું એ બીજેપી માટે મોટી ઉપલબ્ધી છે.

જમ્મુની ૧૪૦ ડીડીસી સીટ પર બપોર સુધીમાં માત્ર ૯૫ સીટના વલણમાં બીજેપી ૫૧ સીટ પર આગળ ચાલી રહી હતી. એક્સપર્ટ્સ અનુસાર, બીજેપી જમ્મુ વિસ્તારમાં પોતાની સ્થિતિ મજબૂત બનાવી છે. જ્યારે અહીં કોંગ્રેસનું પલડું નબળું પડતું જોવા મળે છે.

રાજ્યની ૨૮૦ સીટ માટે આઠ તબક્કામાં ચૂંટણી થઈ હતી. ચૂંટણીમાં ૪૫૦થી વધારે મહિલા ઉમેદવારો સહિત કુલ ૪,૧૮૧ ઉમેદવાર ચૂંટણીના જંગમાં ઉતર્યાહતાં.

(9:00 pm IST)