Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

મંદિરમાં ઉત્સવમાં ક્રેન પડતાં ત્રણ શ્રધ્ધાળુનાં મોત, ૧૦ ગંભીર

તમિલનાડુના અરાક્કોનમમાં એક ગંભીર દુર્ઘટના : માઈલર ઉત્સવમાં ભક્તો ક્રેન પર લટકીને ભગવાનને માળા પહેરાવે છે ભક્તો એક ક્રેન પર લટકેલા હતા અને ક્રેન તૂટી પડી

ચેન્નાઈ, તા.૨૩ : તમિલનાડુના અરાક્કોનમમાં એક ગંભીર દુર્ઘટના સામે આવી છે. અહીંના મંદિરમાં યોજાયેલા માઈલર ઉત્સવ દરમિયાન અચાનક ક્રેન પડી જતા ૩ શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા છે અને ૧૦ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

દર વર્ષે મંદિરમાં પોંગલ બાદ માઈલર ઉત્સવ ઉજવાય છે. આ દરમિયાન ભક્તો ક્રેન પર લટકીને ભગવાનને માળા પહેરાવે છે. આ કાર્યક્રમ દરમિયાન ભક્તો એક ક્રેન પર લટકેલા હતા અને અચાનક ક્રેન તૂટી પડી હતી. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે, એક ક્રેન ભક્તોને લઈને જઈ રહી છે અને અચાનક ક્રેન તૂટી પડી આસપાસમાં પસાર થઈ રહેલા લોકો પર પડે છે. ગઈકાલે રાત્રે ૮.૧૫ કલાકે આ દુર્ઘટના સર્જઈ હતી. આ ક્રેન પર લગભગ ૮ ભક્તો લટકીને ભગવાનને માળા પહેરાવવા જઈ રહ્યા હતા.

આ ઘટના ઈજાગ્રસ્ત થયેલા ૧૦ લોકોને તાત્કાલીક નજીકની હોસ્પિટલોમાં સારવાર અર્થે લઈ જવાયા હતા. ઈજાગ્રસ્તોમાં એક બાળકી પણ સામેલ છે. ઘટના દરમિયાન ક્રેન પાસે લગભગ ૧૫૦૦ શ્રદ્ધાળુઓ ઉપસ્થિત હતા. હાલ પોલીસે આ ઘટનાની તપાસકરી રહી છે. રાનીપેટના કલેક્ટર ભાસ્કર પાંડિયને જણાવ્યું કે, મંદિરમાં ઉત્સવ દરમિયાન ક્રેનનો ઉપયોગ કરવાની મંજૂરી ન હતી, તેમ છતાં ભક્તોને ક્રેન પર લટકાવીને લઈ જવાયા. ક્રેન સંચાલકની ધરપકડ કરવામાં આવી છે. હાલ ઘટનાની તપાસ ચાલી રહી છે.

(7:13 pm IST)