Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2024

કોંગ્રેસ શાસનમાં હનુમાન ચાલીસા સાંભળવી પણ ગુનો

વડાપ્રધાને કર્ણાટકની ઘટનાનો ઉલ્લેખ કર્યો

 

જયપુર તા. ૨૩ : રાજસ્‍થાનના સવાઈ માધોપુર ખાતે સભા સંબોધન દરમિયાન નરેન્‍દ્રભાઈ મોદીએ કોંગ્રેસ સરકારની ટીકા કરી અને આરોપ લગાવ્‍યો કે કોંગ્રેસના શાસનમાં હનુમાન ચાલીસા સાંભળવી પણ ગુનો બને છે.

પીએમ મોદી રાજસ્‍થાનના ટોંક-સવાઈ માધોપુરમાં એક જાહેર સભાને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, કોંગ્રેસના શાસનમાં હનુમાન ચાલીસા સાંભળવી પણ ગુનો બની જાય છે. રાજસ્‍થાન તેનું પીડિત રહ્યું છે. આ વખતે પહેલીવાર રામનવમી પર રાજસ્‍થાનમાં શોભા યાત્રા કાઢવામાં આવી હતી.રાજસ્‍થાન જેવા રાજયમાં જયાં લોકો રામ-રામના નારા લગાવે છે,ત્‍યાં કોંગ્રેસે રામનવમી પર પ્રતિબંધ મૂક્‍યો હતો.

આજે હનુમાન જયંતિ પર તમારી સાથે વાત કરતી વખતે મને થોડા દિવસો પહેલાની એક ઘટના યાદ આવી. થોડા દિવસો પહેલા, કોંગ્રેસ શાસિત કર્ણાટકમાં, એક દુકાનદારને નિર્દયતાથી મારવામાં આવ્‍યો હતો કારણ કે તે તેની દુકાનમાં બેસીને હનુમાન ચાલીસા સાંભળી રહ્યો હતો.

પીએમ મોદીએ કોંગ્રેસ સરકાર પર વધુ પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસે રાજસ્‍થાન સિરિયલ બ્‍લાસ્‍ટના આરોપીઓને બચાવવાનું પાપ કર્યું છે.તેમણે ઉમેર્યું કે, જો કોંગ્રેસ સત્તામાં હોત, તો તેણે પોતાના માટે ભ્રષ્ટાચારના નવા રસ્‍તાઓ શોધી લીધા હોત.કોંગ્રેસના શાસનમાં મહિલાઓ સામેના ગુનામાં રાજસ્‍થાન નંબર ૧ હતું.

દિવસની શરૂઆતમાં, પીએમ મોદીએ X પર એક પોસ્‍ટમાં કહ્યું હતું કે, લોકસભાની ચૂંટણીમાં, ભાજપ-એનડીએને સમગ્ર દેશમાં લોકો તરફથી પુષ્‍કળ સમર્થન મળી રહ્યું છે. ઉત્‍સાહના આ વાતાવરણ વચ્‍ચે હું આજે બે રાજયોમાં મારા પરિવારના સભ્‍યો વચ્‍ચે હોઈશ. સવારે લગભગ ૧૦.૪૫ વાગ્‍યે, હું રાજસ્‍થાનના ટોંક-સવાઈમાધોપુરમાં હોઈશ. પછી, લગભગ ૨.૪૫ વાગ્‍યે, હું છત્તીસગઢના જાંજગીર-ચંપામાં હોઈશ. અંતે, લગભગ ૫ વાગ્‍યે, હું મહાસમુંદમાં હોઈશ, જયાં હું મારા પ્રિયજનોના આશીર્વાદ મેળવીશ.

(3:12 pm IST)