Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

LAC પરથી હટવા તૈયાર થશે ડ્રેગન ???

૩ મહિના પછી ફરીથી કાલે ભારત - ચીન વચ્ચે વાતચીત

નવી દિલ્હી તા. ૨૩ : સીમા વિવાદને કારણે ચાલતી તંગદિલી વચ્ચે ભારત અને ચીન એકવાર ફરીથી ત્રણ મહિના પછી વાતચીતના મેજ પર સામસામે બેસશે. ભારત અને ચીન વચ્ચે આવતીકાલે એટલે કે ૨૪ જૂને પૂર્વ લદ્દાખ બાબતે વધુ એક રાજનૈતિક વાત થવાની શકયતા છે, જેમાં ગતિરોધ વાળા બાકી પોઇન્ટ પરથી સૈનિકોની વાપસી પર ચર્ચા થશે. માનવામાં આવે છે કે લગભગ ત્રણ મહિના પહેલા બંને દેશો વચ્ચે રાજનૈતિક સ્તરની વાતચીત થઇ હતી અને તે પહેલા બંને દેશો વચ્ચે લગભગ ૧૧ તબક્કાની સૈન્ય વાતચીત થઇ ચૂકી છે.

એક સરકારી અધિકારીએ જણાવ્યું કે, ભારત - ચીન સરહદ બાબતે પરામર્શ અને સમન્વય માટે સ્થાપિત કાર્ય તંત્ર (ડબલ્યુએમસીસી) અંતર્ગત થનારી વાતચીત દરમિયાન પૂર્વ લદ્દાખમાં બંને દેશોની સેનાઓ વચ્ચે તંગદિલી ઓછી કરવાના વ્યાપક સિધ્ધાંતો પર ધ્યાન કેન્દ્રીત કરાય તેવી આશા છે. આ પહેલા ડબલ્યુએમસીસી હેઠળ ૧૨ માર્ચે વાતચીત થઇ હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે રાજનૈતિક ચર્ચા પછી કોર કમાન્ડર સ્તરના અધિકારીઓ વચ્ચે પણ વાતચીત થશે.

એપ્રિલ મહિનામાં ૧૧માં તબક્કાની સૈન્ય વાતચીતમાં ભારતે સ્પષ્ટપણે કહ્યું હતું કે, ચીન સેનાએ એલએસીના બધા સ્થાનોએથી પોતાના સૈનિકો હટાવવા જ પડશે. ભારતે ત્યારે ચોખ્ખે ચોખ્ખું કહી દીધું હતું કે, ચીન પોતાની સેનાને ગોગરા, હોટ સ્પ્રીંગ તથા ડેપ્સાંગમાંથી પણ પાછી હટાવે અને એક વર્ષ પહેલાના મેની સ્થિતિ જાળવી રાખે.

(11:30 am IST)