Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

વાડાએ ડોપ ટેસ્ટિંગ લેબનું સસ્પેન્શન છ માસ લંબાવ્યું

ભારતના ખેલ વિશ્વને મોટો આંચકો : વાડાના નિર્ણયને પગલે ભારતીય એજન્સી ખેલાડીઓના ડોપિંગ ટેસ્ટ નહીં કરી શકે : દેશના ખેલાડીઓને તકલીફ

નવી દિલ્હી, તા. ૨૨ : આગામી ઓલિમ્પિક્સ માટેની ભારતની તૈયારીઓને મોટો આંચકો લાગ્યો છે. વર્લ્ડ એન્ટિ ડોપિંગ એજન્સી (વાડા)એ ભારતની નેશનલ ડોપ ટેસ્ટિંગ લેબોરેટરી (એનડીટીએલ)નું સસ્પેન્શન વધુ છ મહિના માટે લંબાવી દીધું છે. વાડાના મતે એનડીએલટીની પ્રક્રિયા આંતરાષ્ટ્રીય સ્તરને અનુરૂપ નહીં હોવાથી આ પગલું લેવાયું છે. વાડાએ અગાઉ ૨૦૧૯ના ઓગસ્ટમાં રાષ્ટ્રીય એજન્સીને એક વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધી હતી. ત્યારબાદ વધુ છ માસ સુધી સસ્પેન્શન લંબાવાતા એજન્સી દેશના ખેલાડીઓના યુરીન અને બ્લડ સેમ્પલ સહિત ડોપ ટેસ્ટ હાથ નહીં ધરી શકે. વાડાનો આ નિર્ણય દેશના રમત ક્ષેત્ર માટે મોટા ફટકા સમાન છે. વાડાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે વાડાએ રાષ્ટ્રીય ડોપ ટેસ્ટિંગ લેબોરેટરીની માન્યતા વધુ છ મહિના માટે રદ કરી છે.

           ભારતીય એજન્સીના માપદંડો આંતરાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ નહીં હોવાને પગલે વાડાએ આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું. વાડાએ સ્થળ મુલાકાત લીધી તે વખતે આ હકીકત સામે આવી હતી. કેન્દ્રીય રમત પ્રધાન કિરણ રીજિજુએ આ મામલે જણાવ્યું હતું કે ટેક્નિકલ બાબતોને ધ્યાનમાં લેવામાં આવી રહી છે અને પ્રથમ નોટિસ તેઓએ એનડીટીએલનું પ્રમુખપદ સંભાળ્યું તે અગાઉ મળી હતી. પ્રવર્તમાન સમયે નેશનલ એન્ટિ ડોપિંગ એજન્સી (નાડા) દ્વારા લેવામાં આવતા યુરિન સેમ્પલને દોહા સ્થિત વાડા અધિકૃત લેબમાં ટેસ્ટિંગ માટે મોકલવામાં આવે છે.

            ફેબ્રુઆરીમાં વાડાએ એનડીટીએલની બીજી વખત મુલાકાત લીધી હતી. જોકે સુધારાના પગલાં જણાયા ન હોવાથી જાન્યુઆરી ૨૦૨૧ સુધી માન્યતા રદ કરવાની ફરજ પડી હતી. વાડાના સૂત્રોના મતે જો એનડીટીએલ સસ્પેન્શના ગાળામાં યોગ્ય આંતરાષ્ટ્રીય માપદંડોને અનુરૂપ લેબ બનાવે છે તો તેઓ ટોકયો ઓલિમ્પિક્સ પૂર્વે ફરી વાડાને પોતાની માન્યતા મેળવવા અરજી કરી શકે છે. છ માસનો પ્રતિબંધ પૂર્ણ થયા બાદ પણ જો રાષ્ટ્રીય એજન્સી પોતાની માન્યતા નહીં મેળવી શકે તો વધુ છ માસનો પ્રતિબંધ લાદી શકાય છે અને તેને પગલે જુલાઈ ૨૦૨૧ અગાઉ એનડીટીએલને માન્યતા મળી શકશે નહીં અને દેશના ખેલાડીઓ ડોપ ટેસ્ટથી વંચિત રહેવું પડી શકે છે.

(12:00 am IST)