Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

રાજસ્થાન ફોન ટેપિંગ મામલે રાજ્ય સરકારે રિપોર્ટ મોકલ્યો

રાજસ્થાનમાં રાજકારણમાં ગરમાવો યથાવત : સરકાર ઊથલાવવાના પ્રયાસમાં કેન્દ્રીય મંત્રીનું નામ હતું

નવી દિલ્હી, તા. ૨૨ : રાજસ્થાનમાં ધારાસભ્યોનું હોર્સ ટ્રેડિંગ કરીને સરકાર ઉથલાવવાના ષડયંત્રમાં એક કેન્દ્રીય મંત્રીનું નામ પણ ઉછળ્યું હતું. કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે આ મુદ્દે ભારે ગરમાગરમી પણ થઈ હતી. ગૃહ મંત્રાલયે રાજસ્થાનમાં સરકાર ઉથલાવવા માટેની કથિત ફોન ટેપના મામલે રાજસ્થાન સરકાર પાસે જવાબ માંગ્યો હતો. રાજસ્થાનની કોંગ્રેસની ગહેલોત સરકારે આ અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પોતાનો જવાબ સાથેનો રિપોર્ટ મોકલ્યો છે. રાજ્ય સરકારની રિપોર્ટમાં ફોન ટેપિંગના આધાર અને ઈનપુટ્સ સહિતના તમામ પાસાંઓનું વિસ્તૃત વિવરણ આપવામાં આવ્યું છે. સૂત્રોના મતે, રાજ્ય સરકારે પોતાની રિપોર્ટમાં સ્પષ્ટતા કરતા સમગ્ર પ્રક્રિયા પારદર્શક રીતે હાથ ધરાઈ હોવાની વાત જણાવી છે.

          રિપોર્ટમાં એવો ઉલ્લેખ કરાયો છે કે સરકારે ફોન ટેપિંગ વખતે તમામ નિયમોનું પાલન કર્યું છે. સાથે જ સરકારે એવી સ્પષ્ટતા પણ કરી છે કે આ પ્રકરણમાં કેન્દ્રીય મંત્રી અથવા અન્ય કોઈ રાજકીય વ્યક્તિના ફોન ટેપ કરવામાં આવ્યા નહતા. રાજસ્થાન એસઓજી ફોન ટેપિંગથી વાયરલ થયેલી ઓડિયો ક્લિપને લઈને એલર્ટ છે. બે દિવસ અગાઉ એસઓજીએ દિલ્હી સ્થિત કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતના ઘરે એક નોટિસ મોકલીને તપાસમાં સહયોગ આપવા અપીલ કરી હતી. જો કે મંત્રીએ એમ જણાવીને તપાસમાં હાજર રહેવા ઈનકાર કર્યો કે, પહેલા આ કથિત ઓડિયો રેકોર્ડિંગની સત્યતા ચકાસવામાં આવે.

(12:00 am IST)