Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

એનર્જી-કન્ઝ્યુમર ડ્યુરેબલ સિવાયના સેક્ટર્સમાં વેચવાલી

સેન્સેક્સમાં ૫૮, નિફ્ટીમાં ૨૯ પોઈન્ટનો ઘટાડો : એક્સિસ બેન્ક, ટાઈટન, આઈટીસીના શેરના ભાવ વધ્યા, ટાટા સ્ટીલ, મારૂતિ સુઝુકી અને ઈન્ફોસિસિના ભાવ ઘટ્યા

મુંબઈ, તા. ૨૨ : ભારતીય શેરબજારો આજે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ ૫૮ અંક ઘટીને ૩૭૮૭૧ પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૨૯ અંક ઘટીને ૧૧૧૩૨ પર બંધ રહ્યો હતો. આ રીતે સળંગ બે દિવસની તેજીને બ્રેક વાગી છે. બીએસઈ પર બેંચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ ૫૮ પોઈન્ટ અથવા ૦.૧૬ ટકા ગગડીને ૩૭,૮૭૧ નજીક જ્યારે નિફ્ટી ૫૦ આંક ૧૬ પોઈન્ટ અથવા ૦.૧૫ ટકાના નજીવા ઘટાડા સાથે ૧૧,૧૪૫ નજીક સેટલ થયા છે. આ સિવાય બેંક નિફ્ટીની વાત કરીએ તો ઈન્ડેક્સ અંતિમ સેશનમાં ૧૦૦ પોઈન્ટ વધીને ૨૨,૮૮૨ નજીક બંધ આવ્યો છે. જ્યારે બીએસઈ પર મીડેકપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૧૯ ટકા વધી અને ૦.૨૩ ટકા ગગડીને સેટલ થયા છે. વિવિધ સેક્ટર્સની વાત કરીએ તો આજે બીએસઈ પર એનર્જી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ સિવાય લગભગ તમામ સેક્ટર્સમાં વેચવાલી જોવા મળી.

              બુધવારે ડોલર સામે રૂપિયો અંતિમ સેશનમાં ફ્લેટ રહ્યો. ફોરેક્સ માર્કેટમાં શરૂઆતના સેશનમાં ડોલર સામે રૂપિયો ૧૭ પૈસા મજબૂત રહી ૭૪.૫૭ પર ખુલ્યો હતો. પરંતુ ત્યાર બાદ અંતિમ સેશનમાં રૂપિયો ૭૪.૭૬ પર બંધ આવ્યો છે. આ પહેલા મંગળવારે ૭૪.૭૪ પર બંધ થયો હતો. આ સિવાય જૂન ક્વાર્ટરમાં એક્સિસ બેંકની એસેટ ક્વાલિટીમાં સુધારો થતા શેરના ભાવમાં આજે લગભગ ૮ ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો. બીએસઈ પર બેંકનો શેર ૮.૨૧ ટકા વધીને ૪૮૨.૮૫ રૂપિયા પર પહોંચ્યો હતો. જ્યારે અંતિમ સેશનમાં શેર ભાવ ૨૯ રૂપિયાના વધારા સાથે ૪૭૬ નજીક બંધ આવ્યો છે. સેન્સેક્સ પર એક્સિસ બેક્ન, ટાઈટન કંપની, પાવર ગ્રીડ કોર્પ, એનટીપીસી, આઈટીસી સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. એક્સિસ બેક્ન ૭.૩૬ ટકા વધીને ૪૭૯.૦૫ પર બંધ રહ્યો હતો. ટાઈટન કંપની ૪.૨૨ ટકા વધીને ૧૦૫૭.૭૦ પર બંધ રહ્યો હતો. જોકે એચયુએલ, ટાટા સ્ટીલ, મારૂતિ સુઝુકી, ઈન્ડસઈન્ડ બેક્ન, ઈન્ફોસિસ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. એચયુએલ ૩.૦૬ ટકા ઘટીને ૨૨૪૮.૨૦ પર બંધ રહ્યો હતો. ટાટા સ્ટીલ ૨.૫૧ ટકા ઘટીને ૩૫૦.૧૦ પર બંધ રહ્યો હતો.

(12:00 am IST)