Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

ક્રુર કોરોના : રાજકોટમાં એક જ રાતમાં ૭ મોત

સિવિલ હોસ્પિટલ કોવિડ સેન્ટરમાં ૬ અને ખાનગી હોસ્પિટલમાં ૧ દર્દીનો જીવ ગયોઃ સતત વધી રહેલા મૃત્યુઆંકથી ફફડાટ : જસદણના કમલેશભાઇ રાદડીયા (ઉ.વ.૪૦), જુનાગઢ માખીયાળાના રંજનબેન ગજેરા (ઉ.વ.૪૭), મોરબીના સલિમભાઇ મકરાણી (ઉ.વ.૫૪), મોરબીના મંજુલાબેન લાલજીભાઇ (ઉ.વ.૮૦), સુરેન્દ્રનગરના હેમાક્ષીબેન શાહ (ઉ.વ.૫૮), વઢવાણના કંચનબેન વાલજીભાઇ (ઉ.વ.૫૮)ના સિવિલમાં અને વાંકાનેરના મુકુંદરાય દોશી (ઉ.વ.૭૨)નું ખાનગી હોસ્પિટલમાં મોત : પાંચ દિવસમાં થયા ૩૦ મોત

રાજકોટ તા. ૨૩: કોરોનાની ક્રુરતા સામે સોૈ લાચાર થઇ ગયા છે. જીવલેણ વૈશ્વિક મહામારીને કારણે રાજકોટમાં રોજબરોજ મોતનો આંક વધી રહ્યો છે. શહેરની સિવિલ હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં એક જ રાતમાં એક પછી એક ૬ દર્દીના મોત નિપજ્યા છે, તો ખાનગી હોસ્પિટલમાં પણ એક દર્દીનો જીવ ગયો છે. મૃતકોમાં જસદણ, જુનાગઢ, મોરબી, સુરેન્દ્રનગર, વઢવાણ અને વાંકાનેરના દર્દીઓનો સમાવેશ થાય છે. રવિવારથી આજ સુધીમાં એટલે કે પાંચ દિવસમાં કોરોના ૩૦ લોકોને ઓહિયા કરી ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ જસદણ રહેતાં અને સુરતથી આવેલા કમલેશભાઇ મીઠાભાઇ રાદડીયા (ઉ.વ.૪૦)ને કોરોના લાગુ પડતાં રાજકોટ સિવિલ હોસ્પિટલ કોવિડ સેન્ટરમાં દાખલ હતાં. તેમનું રાત્રીના એકાદ વાગ્યે મોત નિપજતાં અરેરાટી ફેલાઇ ગઇ હતી.

બીજા દર્દી જુનાગઢના માખીયાળાના રંજનબેન પરષોત્તમભાઇ ગજેરા (ઉ.વ.૪૭)નું પણ રાત્રે મોત થયું હતું. એ પછી મોરબીના સલિમભાઇ અઝીઝભાઇ મકરાણી (ઉ.વ.૫૪), મોરબીના મંજુલાબેન લાલજીભાઇ (ઉ.વ.૮૦) તથા સુરેન્દ્રનગરના હેમાક્ષીબેન સતિષચંદ્ર શાહ (ઉ.વ.૫૮) અને વઢવાણના કંચનબેન વાલજીભાઇ (ઉ.વ.૫૮)ના પણ કોવિડ-૧૯માં એક પછી એક મોત નિપજ્યા હતાં.

જ્યારે અન્ય એક દર્દી વાંકાનેરના મુકુંદરાય તારકચંદ દોશી (ઉ.વ.૭૨)નું ખાનગી હોસ્પિટલમાં મોત થયું હતું. આમ એક જ રાતમાં સિવિલમાં છ અને ખાનગીમાં એક મળી સાત દર્દીઓએ કોરોનાને કારણે દમ તોડી દીધી હતો. જો કે સત્તાવાર આંકડા દરરોજ તંત્ર તરફથી ઓછા અપાય છે એ પણ હકિકત છે.

નોંધનીય છે કે રવિવારથી આજ ગુરૂવાર સુધીમાં રાજકોટ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં મળી કુલ ૩૦ મોત થઇ ચુકયા છે. બીજી તરફ રોજબરોજ પોઝિટિવ કેસ પણ વધી રહ્યા છે. લોકોએ જાતે જ સાવચેત રહેતાં શીખવું પડશે અને ટેવ પાડવી પડશે.

(3:09 pm IST)