Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

દેશમાં કોરોનાની રસી ઓકટોબર સુધીમાં

ટ્રાયલનો હવે પછીનો તબક્કો ઓગસ્ટના મધ્યમ શરૂ થાય એવી શકયતા

ભુવનેશ્વર તા. ૨૩ : જથ્થાની દ્રષ્ટિએ વિશ્વમાં સૌથી વધુ રસીનું ઉત્પાદન કરતી કંપની સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (એસઆઈઆઈ)ને આશા છે કે તે આ વર્ષના ઓકટોબર-ન૦વેમ્બર સુધીમાં કોરોનાની રસી વિકસાવી લેશે, એમ કંપનીના સીઈઓ પુનાવાલાએ બુધવારે કહ્યું હતું.

યુનિવર્સિટી ઓફ ઓકસફર્ડ દ્વારા વિકસાવવામાં આવેલી પ્રાયોગિક કોવિડ-૧૯ રસી કેન્ડિડેટનું ઉત્પાદન કરવા સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ બાયોફાર્માસ્યૂટિકલ કંપની એસ્ટ્રાઝેનેકા સાથે ભાગીદારી કરી છે.

કંપનીએ સ્વતંત્ર રીતે વિકસાવેલી ન્યુમોકોક્કલ રસીનાં ઉત્પાદન માટે ડીસીજીઆઈએ મંજૂરી આપી દીધી છે.

વીડિયો કોન્ફરન્સ મારફતે ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયક સાથે કરેલી વાતચીતમાં પુનાવાલાએ કહ્યું હતું કે આ વર્ષના ઓકટોબર-નવેમ્બર સુધીમાં કોરોનાની રસી વિકસાવી લેવાની અમને આશા છે.

ટ્રાયલનો હવે પછીનો તબક્કો ઓગસ્ટના મધ્યમ શરૂ થાય એવી શકયતા હોવાનું તેમણે કહ્યું હતું.

ટ્રાયલને પ્રથમ તબક્કામાં ઓકસફર્ડ યુનિવર્સિટીની રસીએ આશાસ્પદ પરિણામો આપ્યાં હોવાનું તેમણે કહ્યું હતું.

એક વખત રસી તૈયાર થઈ જાય અને તેનેે મંજૂરી મળી જાય ત્યાર બાદ રાજય સરકાર અને એસઆઈઆઈએ જોડાણ આગળ વધારવું જોઈએ, એમ તેમણે કહ્યું હતું.

કોરોનાની રસી વિકસાવવા માટે એસઆઈઆઈએ ઓકસફર્ડ યુનિવર્સટી સાથે કરેલી ભાગીદારી અંગે પટનાયકે આનંદ વ્યકત કર્યો હતો અને તાજેતરમાં જ કોરોનાની રસી અંગે પ્રગટ થયેલા આશાસ્પદ પરિણામો અંગે તેમણે પુનાવાલાને અભિનંદન આપ્યાં હતાં.

દરમિયાન, ભારત દ્વારા સ્વતંત્ર રીતે વિકસાવવામાં આવેલી કોરોનાની રસીના માનવ પર કિલનિકલ ટ્રાયલ માટેની સ્ક્રિનિંગ પ્રક્રિયા ભુવનેશ્વરસ્થિત ઈન્સ્ટિટ્યૂટ ખાતે આરંભી દેવામાં આવી છે.

આઈસીએમઆર દ્વારા પસંદ કરવામાં આવેલા ૧૨ કેન્દ્રમાંથી એક કેન્દ્ર ખાતે આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું.

(9:29 am IST)