Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

વકીલોની ટીમ સાથે અડવાણીજીના નિવાસ સ્થાને પહોંચ્યા અમિત શાહઃ કાલે કોર્ટમાં થશે હાજર

નવી દિલ્હીઃ ગૃહમંત્રી અમિતભાઇ શાહે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. આ દરમિયાન ભૂપેન્દ્ર યાદવ પણ તેમની સાથે રહ્યાં હતા. કેન્દ્રીય ગૃહમંત્રીએ અડવાણીના સ્વાસ્થ્યના સમાચાર પૂછ્યા હતા.

આ મુલાકાત એટલા માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કે આવતીકાલે શુક્રવારે બાબરી ધ્વંસ મામલે લાલકૃષ્ણ અડવાણીને સીબીઆઇ કોર્ટમાં વિડીયો કોન્ફરન્સથી હાજર થવાનું છે. જે વકીલ આ કેસમાં અડવાણીને આસિસ્ટ કરશે તે વકીલની ટીમ સાથે અમિત શાહ અડવાણીના દ્યરે પહોંચ્યા હતા. બંને નેતાઓ વચ્ચે લગભગ ૩૦ મિનિટ સુધી મુલાકાત ચાલી હતી.

 આ મામલે ઉમા ભારતી, કલ્યાણ સિંહ કોર્ટમાં પોતાનું નિવેદન આપી ચુકયા છે. હવે આજે મુરલી મનોહર જોષી અને કાલે ૨૪ જુલાઈએ એલકે અડવાણી સીઆરપીસીની કલમ ૩૧૩ હેઠળ પોતાનું નિવેદન આપશે. સીબીઆઈની વિશેષ કોર્ટના જજ એસકે યાદવ આ મામલે બંન્ને નેતાઓના નિવેદન નોંધવાની તારીખ નક્કી કરી છે. ઉલ્લેખનિય છે કે, અયોધ્યામાં બાબરી મંદિર વિધ્વંસ બાદ આ મામલે અડવાણી, જોશી, ઉમાભારતી, કલ્યાણ સિંહ વિરુદ્ઘ કેસ ચાલી રહ્યો છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશ પ્રમાણે કેસની સુનવણી ૩૧ ઓગસ્ટ સુધીમાં પૂર્ણ થાય તે માટે સીબીઆઈની ખાસ કોર્ટ દરરોજ સુનવણી કરી રહી છે.

 મળતી માહિતી મુજબ આ મુલાકાત દરમિયાન અમિતભાઇ ભૂમિ પૂજન કાર્યક્રમમાં ભાગ લેવાને લઈને પણ અડવાણી સાથે વાત કરી છે. ૫ ઓગસ્ટે અયોધ્યામાં રામ મંદિર ભૂમિ પૂજનનો કાર્યક્રમ છે. આ કાર્યક્રમમાં સાધુ સંત ઉપરાંત નરેન્દ્રભાઇ મોદી સહિત લગભગ ૧૫૦થી ૨૦૦ લોકો સામેલ થશે.

(12:51 pm IST)