Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

વડાપ્રધાન મોદીને ફક્ત ઈમેજ બિલ્ડિંગમાં રસઃ રાહુલ ગાંધી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષના વડાપ્રધાન મોદી પર પ્રહાર જારી : ભારત-ચીન સરહદ વિવાદ પર ત્રીજો વીડિયો રીલિઝ કર્યો

નવી દિલ્હી, તા. ૨૩ : કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજકાલ કેન્દ્ર સરકાર પર અવારનવાર આક્ષેપો કરીને વડાપ્રધાન મોદી પર નિશાન તાકી રહ્યા છે. રાહુલ ગાંધીએ ટ્રૂથ વિથ રાહુલ ગાંધી સીરિઝ અંતર્ગત ગુરૂવારે પોતાનો ત્રીજો વીડિયો જાહેર કર્યો હતો. ટ્વિટરના પ્લેટફોર્મથી વીડિયો જાહેર કરીને તેમણે કેન્દ્રની મોદી સરકાર સામે ચીન સાથે વિવાદ ઉકેલવા કોઈ રૂપરેખા નહીં હોવાનો આક્ષેપ કર્યો છે. રાહુલ ગાંધીએ પ્રહાર કરતા કહ્યું કે કેન્દ્ર પાસે ચીન મુદ્દે કોઈ રૂપરેખા નહીં હોવાથી તે આપણી સરહદમાં ઘૂસી ગયું. ઉપરાંત વડાપ્રધાન મોદીને આડેહાથ લેતા કોંગ્રેસના સાંસદે જણાવ્યું કે, પીએમ મોદીનું સંપૂર્ણ ધ્યાન પોતાની છબિ ઊભી કરવામાં છે. તમામ સંસ્થાઓ કામ પાછળ લાગી ગઈ છે, ફક્ત એક વ્યક્તિની છબિ ચમકાવવી તે રાષ્ટ્રની છબિનો વિકલ્પ નથી હોતો.

          રાહુલ ગાંધીએ કેન્દ્ર પર ચીન મુદ્દે પ્રહાર કરતા જણાવ્યું કે, જો તમે કોઈ સાથે ઉકેલ લાવવા મજબૂત સ્થિતિમાં છો, તો તમે કરી શકશો. તમે જે ઈચ્છો છો તે તમે તેમની પાસેથી મેળવી શકો છો અને હકીકતમાં આવું કરી શકાય છે, પરંતુ જો તેમણે (ચીને) નબળાઈ પકડી લીધી તો પછી મુશ્કેલ છે. ટ્રૂથ વીથ રાહુલ ગાંધીના ત્રીજા વીડિયોમાં કોંગ્રેસના નેતાએ જણાવ્યું કે, તમે દ્રષ્ટિકોણ વગર ચીન સાથેનો વિવાક ઉકેલી શકો નહીં. હું ફક્ત રાષ્ટ્રીય દ્રષ્ટિકોણની વાત નથી કરી રહ્યો, માતો મતબલ આંરાષ્ટ્રીય દ્રષ્ટિકોણનો પણ છે. બેલ્ડ એન્ડ રોડ- ધરતીની પ્રકૃતિને બદલવાનો પ્રયાસ છે. ભારતે વૈશ્વિક દ્રષ્ટિકોણ અપનાવવો પડશે. ભારતે હવે વૈશ્વિક વિચાર બનાવવો પડશે. મોટાપાયે વિચાર કરવાથી દેશની રક્ષા કરી શકાશે.

          ચીન સાથે સરહદને લઈને વિવાદ છે અને તેનું આપણે સમાધાન કરવું પડશે, પરંતુ આપણે તેની રીત બદલવી પડશે. આપણા વિચાર બદલાવ પડશે. આપણે એવા સ્થળે ઉભા છીએ જ્યાંથી બે માર્ગ ફંટાય છે. એક માર્ગ પર આપણને સફળતા મળશે બીજી તરફ જવાથી આપણે અપ્રસ્તુત બની જઈશું. રાહુલ ગાંધીએ વીડિયોમાં જણાવ્યું કે, મોટી તકને આપણે ગુમાવી રહ્યા છીએ તેનાથી હું ચિંતિત છું. આપણે દૂરનો વિચાર નથી કરી રહ્યા અને આંતરિક સંતુલન બગાડી રહ્યા છીએ. આપણે અંદરોઅંદર લડી રહ્યા છીએ. રાજકારણમાં જોઈ લો, સમગ્ર દિવસ આંતરિક લડાઈ લડવામાં આવી રહી છે. વડાપ્રધાન મારા પ્રતિદ્વંદી છે અને મારી જવાબદારી છે કે હું તેમને પ્રશ્ન પૂછું. રાહુલે વધુમાં ઉમેર્યું કે હું મારી જવાબદારી સમજીને પીએમ મોદીને સવાલ પૂછું છું અને જવાબ માટે દબાણ કરું છું જેથી તેઓ કામ કરે.

          હું દાવા સાથે કહું છું કે સરકાર પાસે દ્રષ્ટિકોણ નથી અને એટલા માટે ચીન આપણી જમીનમાં ઘૂસી ગયું છે. રાહુલ ગાંધીએ અગાઉ પણ ટ્રૂથ વીથ રાહુલ ગાંધી અંતર્ગત બે વીડિયો શેર કર્યા હતા જેમાં કેન્દ્ર સરકારની ચીન સામેની નીતિ પર સવાલ કર્યા હતા. ઉપરાંત તેમણે પીએમ મોદીની ઈમેજને લઈને બીજા વીડિયોમાં જણાવ્યું હતું કે ચૂંટણી જીતવા તેમની એક સ્ટ્રોંગમેનની ઈમેજ ઊભી કરવામાં આવી હતી. જો કે તેમની વ્યક્તિગત મજબૂત બાબત રહી છે પરંતુ રાષ્ટ્ર માટે તે સૌથી મોટી નબળાઈ છે.

(8:00 pm IST)