Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

રેમડેસીવીર દવાની પડતર કિંમત ૧૦ ડોલર, તો કેમ વેચાય છે ૩૦૦૦ ડોલરમાં ?

ટીકાકારો કહે છે આવા સમયે કોઇ દવા કંપનીઓ મોટો નફો કમાય તે કૌભાંડ ગણાયઃ

નવી દિલ્હી,તા.૨૩: મે મહિનામાં જ્યારે એવી જાહેરાત થઇ કે કોવિડ-૧૯ના દર્દીઓ પર એક દવા અસરકાર સાબિત થઇ રહી છે. તો તેના પર બહુ આશાઓ જાગી હતી. આ દવા રેમ ડેસીવીર હતી જે અમેરિકન ફાર્મા કંપની ગિલિયડની એક એન્ટી વાયરલ દવા છે. ત્યાર પછી બધાના મનમાં એક સવાલ ઉઠ્યો કે ગિલિયડ આ દવાના કેટલા પૈસા વસૂલશે ? તે વખતે ફકત બે દવાઓ જ કોરોના સામે અસરકારક દેખાતી હતી. એક રેમડેસીવીર અને બીજી સ્ટેરોઇડ ડેકસામેથાસોન હતી.થોડા દિવસ પહેલા આ સવાલનો જવાબ મળી ગયો કે અમેરિકામાં વીમા કંપનીઓએ દરેક દર્દીના પાંચ દિવસના ઇલાજ માટે ૩૧૨૦ ડોલર ચુકવવા પડશે. જ્યારે બીજા વિકસીત દેશોએ દરેક ઇલાજ માટે ૨૩૪૦ ડોલર ચુકવવાના રહેશે.ગિલીયડે રેમડેસીવીરની પડતર કિંમતની ચોખવટ નથી કરી પણ કલીનીકલ એન્ડ ઇકોનોમિક રિવ્યુ ઇન્સ્ટીટ્યુટ (આઇસીઇઆર)ના વિશ્લેષણથી જાણવા મળ્યુ છે કે એક દર્દીની ૧૦ દિવસની સારવાર માટેની દવાની પડતર કિંમત લગભગ ૧૦ ડોલર જેટલી થાય. પણ ગિલિયર્ડ નકકી કરેલી કિંમત પ્રમાણે રેમડેસીવીર પોતાની કંપનીને ૨૦૨૦માં ૨.૩ અબજ ડોલર કમાવી શકે છે.ટીકાકારો કહી રહ્યા છે કે, વૈશ્વિક સ્તરે એક મેડીકલ ઇમર્જન્સીના સમયે કોઇ દવા કંપનીનો મોટો નફો કમાવો તે એક કૌભાંડ જેવુ જ ગણી શકાય.

(3:45 pm IST)