Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

કેન્‍દ્ર સરકાર દ્વારા રેકડીવાળા, ફેરીયાઓ અને નાના વેપારીઓને તરત જ રૂ..10 હજારની લોન આપવાની જાહેરાત

નવી દિલ્હી: લોકડાઉનના કારણે ધંધા રોજગાર પ્રભાવિત થયા છે. લોકોને કામ ફરીથી શરૂ કરવા માટે પૈસાની જરૂર છે. બેન્કની લાંબી પ્રોસેસ અને ઊંચા વ્યાજદરોના કારે લોકો કરજ લેતા ખચકાઈ રહ્યાં છે. ત્યારે આવામાં મોદી સરકારે રેકડીવાળા, ફેરીયાઓ, નાના વેપારીને તરત 10,000 રૂપિયાની લોન ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લીધો છે.

આત્મનિર્ભર નિધિ યોજના હેઠળ મળે છે 10,000 રૂપિયા

રેકડીવાળા, ફેરિયાઓ અને નાના વેપારીઓને હવે આત્મનિર્ભર નિધિ યોજના હેઠળ 10,000 રૂપિયાની લોન દેશભરમાં ફેલાયેલા 308 લાખ Common Service Centres (CSC) દ્વારા મળી શકશે. સરકારની ડિજિટલ અને ઈ-ગવર્નન્સ સેવા શાખા CSC ઈ-ગવર્નન્સ સર્વિસિસ ઈન્ડિયા લિમિટેડે બુધવારે જણાવ્યું.

પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ યોજના (PMSVAFY) સંપૂર્ણ રીતે આવાસ અને શહેરી મામલાના મંત્રાલય દ્વારા ફંડેડ છે.  આ યોજના હેઠળ રેકડીવાળા, ફેરિયાઓ, લારીવાળા નાના વેપારીઓને દસ હજાર રૂપિયા સુધીની લોન ઉપલબ્ધ કરાવવામાં આવે છે. યોજના હેઠળ લોન લેનારા આ લોકોને લોનની નિયમિત રીતે ચૂકવણી કરવા માટે પ્રોત્સાહન પણ અપાય છે અને ડિજિટલ લેવડદેવડ  પર પુરસ્કૃત પણ કરાય છે.

યોજના દ્વારા લારીવાળા, ફેરિયાઓને ઔપચારિક સ્વરૂપ મળશે અને આ ક્ષેત્ર માટે નવી તકો સર્જાશે. સીએસસી યોજના હેઠળ આ નાના વેપારીઓનું રજિસ્ટ્રેશન કરવામાં પણ મદદ મળશે.

આવાસ અને શહેરી મામલાઓા મંત્રાલયમાં સંયુક્ત સચિવ સંજયકુમારે કહ્યું કે યોજના હેઠળ શહેર વિસ્તારના રેકડીવાળા, ફેરીયાઓને દસ હજાર રૂપિયા સુધીની કાર્યશીલ પૂંજી ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ પૂંજી એક વર્ષ માટે રહેશે અને તેની માસિક હપ્તામાં ચૂકવણી કરવાની રહેશે. તેમણે કહ્યું કે આ લોન માટે કરજ આપનારી સંસ્થા દ્વારા કોઈ એડ્રેસ પ્રુફ અથવા ગેરંટી લેવાશે નહીં. 'તમામ વેપારીઓએ ડિજિટલ લેવડદેવડ કરવાની રહેશે'

કુમારે કહ્યું કે યોજના માટે સિડબીને અમલીકરણ એજન્સી નિયુક્ત કરાઈ છે અને અત્યાર સુધીમાં તેના દ્વારા બે લાખ અરજીઓ મળી છે. જ્યારે 50 હજાર વેપારીઓની લોન મંજૂર કરાઈ છે.

(5:18 pm IST)