Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

શ્રાધ્‍ધમાં પણ મોલમાં દિવાળી જેવો માહોલ

પોષાક અને લાઇફસ્‍ટાઇલ રીટેલર્સને તડાકો

નવી દિલ્‍હી, તા.૨૩: કપડા અને લાઇફ સ્‍ટાઇલ રીટેઇલરો તથા મોલ આ બધા કહી રહ્યા છે કે શ્રાધ્‍ધના દિવસો હોવા છતાં છેલ્લા થોડા અઠવાડીયામાં તેમના વેચાણમાં વધારો જોવા મળ્‍યો છે અને તેમને આશા છે કે આવતા અઠવાડીયાથી નવરાત્રી સાથે શરૂ થઇ રહેલ તહેવારી સીઝનમાં માંગ દાયકાની સૌથી વધુ રહેશે.
લાઇફ સ્‍ટાઇલ ઇન્‍ટરનેશનલના ચીફ એકઝીકયુટીવ દેવરાજન ઐયરે કહ્યું, ‘અમે ભારતમાં ધંધો શરૂ કર્યો ત્‍યારથી અત્‍યાર સુધીમાં આ વર્ષે જોવા મળેલી માંગ સૌથી વધારે છે. આ વર્ષે કોઇ પણ ડીસ્‍કાઉન્‍ટ આપ્‍યા વગર પણ અમારૂ વેચાણ ડબલ ફીગરમાં વધવાની અમને આશા છે.'
રીટેઇલર્સ એસોસીએશન ઓફ ઇન્‍ડિયા (આરએઆઇ)ના એક સર્વે અનુસાર, ભારતભરમાં ઓગષ્‍ટમાં રીટેઇલ બીઝનેસમાં કોરોના પહેલાની (ઓગષ્‍ટ ૨૦૧૯) સરખામણીમાં વેચાણ ૧૫ ટકા વધ્‍યુ હતું. મોલ ઓપરેટરો આનુ શ્રેય કોરોના મહામારીના તણાવભર્યા બે વર્ષ પછી આવેલ આ પહેલી તહેવારી સીઝનને આપે છે.
પોષાકની ફ્રેન્‍ચ બ્રાંડ સેલીઓના સીઇઓ સત્‍યેન મોમાચાએ કહ્યું, ઓનમથી દુર્ગા  પૂજા સુધી જોરદાર ધંધો રહે છે. આ વખતે માંગ જોરદાર હોવાથી અમે ડીસ્‍કાઉન્‍ટમાં ઘટાડો કર્યો છે. મોંઘવારીના દબાણ છતાં અર્બન ગ્રાહકો છૂટથી ખરીદી કરી રહ્યા છે તેની સામે નોન મેટ્રો અને ગ્રામીણ ગ્રાહકોની ખરીદી થોડી ઓછી દેખાય છે.
ગ્રાંટ થોન્‍ટેન ભારતના ભાગીદાર નવીન માલપાણીએ કહ્યું કે હવે તહેવારોની મોસમ આવી પહોંચી છે ત્‍યારે ઇ-કોમર્સ ચેનલો વેચાણમાં ૧૫ થી ૨૦ ટકા વધારાની આશા રાખી રહી છે તો ભારતમાં રીટેઇલ બીઝનેસમાં પણ મહામારી પહેલાના સ્‍તર કરતા ૧૫ ટકા વિકાસ સંકેત આપે છે કે આ તહેવારોની મોસમમાં વેચાણ કોરોના પહેલાના સ્‍તર કરતા વધારે રહેશે.

 

(10:50 am IST)