Gujarati News

Gujarati News

News of Thursday, 23rd December 2021

સુકેશે જેક્લીન-નોરા ફતેહીને આપેલી ગિફ્ટ ઈડી જપ્ત કરશે

તિહાડમાં બંધ સુકેશનું અનેક હિરોઈનો સાથે કનેક્શન : સુકેશ દ્વારા આપવામાં આવેલી ગિફ્ટને જપ્ત કરવાની પ્રક્રિયામાં સહયોગ આપવા માટે નોરા ફતેહી તૈયાર

મુંબઈ, તા.૨૨ : ૨૦૦ કરોડ રૂપિયાના મની લોન્ડ્રિંગ કેસમાં તિહાડ જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખર સાથે બોલિવુડની ઘણી હીરોઈનોનું કનેક્શન સામે આવ્યું છે. લિસ્ટમાં જેક્લીન ફર્નાન્ડિઝ અને નોરા ફતેહી ટોપ પર છે, જેને તેણે કરોડો રૂપિયાની ગિફ્ટ આપી હતી હવે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી) ખૂબ જ જલ્દી જેક્લીન અને નોરા પાસેથી જે ગિફ્ટ જપ્ત કરશે જે તેમને સુકેશે આપી હતી.
ઈડીના સૂત્રોએ જણાવ્યું હતું કે, એક્ટ્રેસને કેટલાક પાલતુ પ્રાણી (પેટ એનિમલ) પણ ગિફ્ટમાં આપવામાં આવ્યા હતા. આવા કેસમાં, તેઓ સમાન મૂલ્યની મિલકતને પણ જોડે છે.
નજીકના સૂત્રોએ ન્યૂઝ એજન્સી આઈએએનએસે કહ્યું હતું કે, નોરા ફતેહીએ તેમને પૂછપરછ દરમિયાન કહ્યું હતું કે અધિકારીઓ સુકેશ ચંદ્રશેખર દ્વારા તેને આપવામાં આવેલી કારને જપ્ત કરવા માટે મુક્ત છે. સૂત્રોએ તેમ પણ કહ્યું હતું કે, આવું જ કંઈક જેક્લીનના કેસમાં પણ છે અને તેણે પણ ઈડીના અધિકારીઓને આ વાત કરી હતી.
જેક્લીને અમને કહ્યું હતું કે, તે સુકેશ ચંદ્રશેખરના બેકગ્રાઉન્ડ વિશે જાણતી નહોતી અને સુકેશ દ્વારા તેને આપવામાં આવેલી ગિફ્ટને જપ્ત કરવાની પ્રક્રિયામાં તે સહયોગ આપવા માટે તૈયાર છે, તેમ સૂત્રોએ કહ્યું હતું. પીએમએલએની કલમ ૫ હેઠળ જપ્ત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, તેઓ જેક્લીન અને નોરાને આપવામાં આવેલી ભેટ તેમજ અન્ય વસ્તુઓ જપ્ત કરવાના હતા પરંતુ તેમને ચાર્જશીટ દાખલ કરવાની હતી અને તેથી કામમાં વિલંબ થયો હતો.
અમે પિંકી ઈરાનીની પણ ધરપકડ કરી હતી. તે વાતે અમને વ્યસ્ત રાખ્યા હતા. ચાર્જશીટ ફાઈલ તેમજ નવા ધરપકડ થયેલાના નિવેદનો પણ સમય માગી લે તેવા હતા. અમે આ કેસમાં વધુ સાત શખ્સની ધરપકડ કરી હતી, જેઓ હાલ તિહાડ જેલમાં બંધ છે. બાદમાં અમારે જુબાનીના નિવેદન પણ નોંધવાના છે. તેથી તેમા સમય લાગશે, તેમ સૂત્રોએ કહ્યું હતું.
જેક્લીન ફર્નાન્ડિઝ અને નોરા ફતેહી હાલ કેસના સાક્ષી છે. ૨૦૦ કરોડના કેસમાં તેમની જુબાની નોંધાઈ ચૂકી છે. આ કેસમાં તેમને આરોપી કેમ ન બનાવવામાં આવ્યા તેમ પૂછતાં સૂત્રોએ જણાવ્યું હતું કે, બંને એક્ટ્રેસ સુકેશના ગુનાહિત ઈતિહાસ વિશે અજાણ હતી.'અમારે તે જોવાનું છે કે, ગિફ્ટ મેળવનાર વ્યક્તિ પૈસાના સ્ત્રોત વિશે જાણે છે કે નહીં, આ ગુનાની આવકનો ભાગ છે કે નહીં. અમને જાણવા મળ્યું છે કે, જેક્લીન અને નોરાને આ વિશે જાણકારી નહોતી, તેમ સૂત્રોએ કહ્યું હતું.

 

(12:00 am IST)