Gujarati News

Gujarati News

News of Thursday, 23rd December 2021

શિબા ઇનુ, પોટ, પુતિન આવા પણ નામ છે ક્રિપ્ટોકરન્સીના

ક્રિપ્ટોકરન્સીને મળેલી સફળતાને કારણે ઘણા લોકોએ પોતાના ડિજિટલ કોઇન બહાર પાડીને રોકાણકારોને પોતાની તરફ આકર્ષવાનો પ્રયત્ન કર્યો છે

નવી દિલ્હી તા. ૨૩ : બિટકોઇન અને ઇથેરિયમ જેવી ક્રિપ્ટોકરન્સીને મળેલી સફળતાને કારણે ઘણા લોકોએ પોતાના ડિજિટલ કોઇન બહાર પાડીને રોકાણકારોને પોતાની તરફ આકર્ષવાનો પ્રયત્ન કર્યો છે. ઘણી ક્રિપ્ટોકરન્સી હાલ અલગ-અલગ કિંમતે ચલણમાં છે જે પૈકી કેટલીક વિશિષ્ટ લાક્ષણિકતાઓવાળી ક્રિપ્ટોકરન્સી વિશે ચર્ચા કરીશું.

ડોજકોઇન : સોફટવેર એન્જિનિયર બિલી માર્કસ અને જેકસન પામર દ્વારા બિટકોઇનના વિકલ્પ તરીકે ૨૦૧૩માં આ કોઇનની શરૂઆત થઈ હતી. ક્રિપ્ટોકરન્સી દ્વારા કરવામાં આવતી છેતરપિંડી સામે મજાક દ્વારા આની શરૂઆત કરવામાં આવી હતી. ઘણાં વર્ષો પહેલાં વાઇરલ થયેલી શિબા ઇનુ મેમ પરથી નામ અને લોગો લેવામાં આવ્યા હતા. બિટકોઇન વધુમાં વધુ ૨.૧ કરોડ જેટલા જ નંબર ધરાવે છે તો ડોજકોઇનમાં એવી કોઈ મર્યાદા નથી. હાલ ૧૦ કરોડ કરતાં વધુ ડોજકોઇન અ સિતત્વમાં છે. ટેસ્લાના સીઈઓ ઇલોન મસ્ક એના સૌથી મોટા સમર્થક છે.

પોટકોઇન : નામ પ્રમાણે જ આ કોઇન ગાંજાનાં સૂકાં પાંદડાંઓ કાયદેસર રીતે ખરીદવાની છૂટ આપે છે. વળી આ ડિજિટલ કરન્સી દ્વારા ગ્રાહકો પોતાનાં નામ છુપાવીને ગાંજાના છોડનું ખરીદવેચાણ કરી શકે છે. આ કોઇન દ્વારા ગાંજાના વેપારીઓ તેમ જ તેના ગ્રાહક વચ્ચે સાંકળનું કામ કરે છે. ગાંજા પર આધારિત આવા ઘણા કોઇન માર્કેટમાં છે.

ટ્રમ્પકોઇન : નામ પ્રમાણે જ આ કોઇન ટ્રમ્પના વહીવટ તેમ જ એના સમર્થકોને ટેકો આપવાનું કામ કરે છે. વળી તેઓ ડાબેરી ગ્રુપના કટ્ટર વિરોધી છે.

પુતિનકોઇન : ટ્રમ્પકોઇનના વિરોધી જૂથ દ્વારા પુતિનકોઇન ક્રિપ્ટોકરન્સી બહાર પાડવામાં આવી છે. રશિયાની ઝડપથી વિકસતી ઇકોનોમી અને માર્કેટને સપોર્ટ કરવા માટે આ ક્રિપ્ટોકરન્સીને વિકસાવવામાં આવી છે.

(12:43 pm IST)