Gujarati News

Gujarati News

News of Thursday, 23rd December 2021

ગુનાહીત ઉમેદવારની પસંદગીનાં કારણો પક્ષોએ જણાવવાં પડશેઃCEC

આ નિયમ અગાઉ સખતાઇથી લાગુ કરવામાં નથી આવ્યોઃ પણ સુપ્રીમ કોર્ટના નિર્દેશ પછી એ નિયમ કડક રીતે લાગુ કરવામાં આવશે

પણજી, તા.૨૩: ગોવામાં આગામી વર્ષે થનારી વિધાનસભાની ચૂંટણી માટે મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્ર ગોવાના પ્રવાસે છે. રાજકીય પક્ષોએ હવે ૨૦૨૨માં રાજયોની વિધાનસભાની ચૂંટણીમાં ગુનાઇત પૃષ્ઠભૂમિ ધરાવતા ઉમેદવારોને મેદાનમાં ઉતારવાનું કારણ મતદાતાઓને જણાવવું પડશે. આ નિયમ અગાઉ સખતાઈથી લાગુ કરવામાં નથી આવ્યો, પણ સુપ્રીમ કોર્ટના નિર્દેશ પછી એ નિયમ કડક રીતે લાગુ કરવામાં આવશે, એમ તેમણે ગઈ કાલે કહ્યું હતું.

પક્ષોએ જનતાને જણાવવાનું રહેશે કે ગુનાઇત પૃષ્ઠભૂમિ ધરાવનાર ઉમેદવારને કેમ પસંદ કરવામાં આવ્યા છે, આ વિશે પક્ષોએ વેબસાઇટ પર જનતાને જણાવવું પડશે. અમે જેતે ઉમેદવારની પસંદગી એટલા માટે કરી છે કે... આ તેમનો ગુનાહીત ઇતિહાસ છે અને અમે તેમની આ કારણસર પસંદગી કરી છે. બીજું અમે જેતે વિસ્તારમાં અન્ય કોઈ ઉમેદવારને શોધી શકયા નથી અને એટલે અમે આ (ગુનાહીત ઇતિહાસ ધરાવનાર) ઉમેદવારની પસંદગી કરી રહ્યા છે, એમ ચંદ્રએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું.આ નિયમ અગાઉ હતો, પરંતુ એને સખતાઈથી લાગુ કરવામાં નહોતો આવ્યો, ભૂતકાળમાં રાજકીય પક્ષો જેતે વિસ્તારમાં જેતે ઉમેદવારના સામાજિક કાર્યોને ગણવતા હતા અને એને લીધે તેમને ઉમેદવાર બનાવ્યા છે- એવું કારણ ધરતા હતા.

મુખ્ય ચૂંટણી કમિશનર ગોવામાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીની સમીક્ષા કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે ગુનાઇત રેકોર્ડ ધરાવનારા ઉમેદવારની પસંદગી કરવા માટે કારણ આપવા જણાવ્યું છે, જેથી મતદાતા પણ તેમને મત આપવો કે નહીં એ સમજી શકે. અમે આ વખતે ચૂંટણીમાં આકરા થઈશું અને અમે એક એપ લોન્ચ કરીશું, એમ તેમણે કહ્યું હતું.

(3:36 pm IST)