Gujarati News

Gujarati News

News of Thursday, 23rd December 2021

કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મોકલવા કોરોના વિરોધી રસીની ખરીદી માટે રૂ, 19,675 કરોડનો ખર્ચ કર્યો

1 મે થી 20 ડિસેમ્બર સુધીમાં સરકારી કેન્દ્રો પર રસીના 117.56 કરોડ ડોઝ અને ખાનગી રસીકરણ કેન્દ્રો પર લગભગ 4.18 કરોડ ડોઝ અપાયા

નવી દિલ્હી : કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મફત સપ્લાય માટે કોવિડ-19 વિરોધી રસીની ખરીદી પર રૂ. 19,675 કરોડનો ખર્ચ કર્યો છે. સરકારી ડેટા અનુસાર, સરકારે કેન્દ્રીય બજેટ 2021-22 માં કોવિડ-19 રસીકરણ માટે 35,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરી હતી. સામાજિક કાર્યકર્તા અમિત ગુપ્તાની આરટીઆઈ અરજી પર મળેલા જવાબમાં જણાવવામાં આવ્યું છે કે, "રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને મફત સપ્લાય માટે કોવિડ વિરોધી રસીની ખરીદી પર 20 ડિસેમ્બર સુધી 19,675.46 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે."

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની કોવિડ-19 રસીકરણ શાખાએ જણાવ્યું કે 1 મે થી 20 ડિસેમ્બરની વચ્ચે સરકારી કોવિડ રસીકરણ કેન્દ્રો પર રસીના 117.56 કરોડ ડોઝ આપવામાં આવ્યા હતા. જ્યારે ખાનગી રસીકરણ કેન્દ્રો પર લગભગ 4.18 કરોડ ડોઝ આપવામાં આવ્યા હતા.

કોરોના મહામારી સામે દેશવ્યાપી રસીકરણ અભિયાનની વાત કરીએ તો, દેશમાં અત્યાર સુધીમાં 139.70 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

(10:49 pm IST)