Gujarati News

Gujarati News

News of Sunday, 24th January 2021

પાંચ વર્ષથી જેલમાં બંધ નિર્દોષ માતા-પિતાના બાળકો લાપતા

પોલીસે કોઈ જ પુરાવા વગર ધરપકડ કરી હતી : ૫ વર્ષના બાળકનો મૃતદેહ મળવાના મુદ્દે પોલીસે નક્કર પુરાવા વિના આ પતિ-પત્નીને જેલ ભેગા કરી દીધા હતા

આગરા, તા. ૨૩ : કોઈ વાંકગુના વિના પાંચ વર્ષ જેલમાં રહેવું પડે, અને જેલમાંથી છૂટીને પોતાના ગુમ બાળકોને શોધવા પડે તે પતિ-પત્ની પર કેવું વિતતું હશે તેની કદાચ કોઈ કલ્પના પણ ના કરી શકે. આગરામાં બનેલી ઘટના દેશની કાયદા અને વ્યવસ્થા ઉપરાંત ન્યાય મેળવવામાં જોવી પડતી લાંબી રાહની મજબૂરી પર ખરેખર ચિંતા ઉપજાવે તેવી છે. જેનો ભોગ બનેલા પતિ-પત્નીને પોલીસ જેલભેગા કરી તેમના નાના બાળકોને અનાથઆશ્રમમાં મોકલી દીધા હતા. હાલ પતિ-પત્ની તો છૂટી ગયા છે, પરંતુ તેમના બાળકોનો કોઈ પત્તો નથી.

ઘટનાની વિગત એવી છે કે, નરેન્દ્ર સિંહ (ઉં. ૪૦ વર્ષ) અને તેમના પત્ની નજમા (ઉં. ૩૦ વર્ષ)ની ૨૦૧૫માં આગરાના બાહમાંથી ધરપકડ કરવામાં આવી હતી. પાંચ વર્ષના એક બાળકનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવવાના મામલે પોલીસે કોઈ નક્કર પુરાવા વિના પતિ-પત્નીને આરોપી દર્શાવી પકડીને જેલભેગા કરી દીધા હતા. તેમની ધરપકડ કરાઈ ત્યારે તેમનો દીકરો પાંચ વર્ષનો હતો, અને દીકરી માત્ર ત્રણ વર્ષની હતી.

કમનસીબ પતિ-પત્નીને તાત્કાલિક છોડી મૂકવાનો આદેશ કરતા સેશન્સ કોર્ટે પોલીસની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. કોર્ટે જણાવ્યું હતું કે નિર્દોષ વ્યક્તિને કોઈ વાંક-ગુના વિના પાંચ વર્ષ જેલમાં સબડવું પડે અને જેણે ખરેખર ગુનો કર્યો છે તેનો કોઈ અતોપતો ના હોય તે ઘટના ખરેખર ખૂબ કમનસીબ છે. કોર્ટે કેસની તપાસ કરનારા અધિકારી સામે પણ પગલાં લેવા માટે આદેશ આપ્યો છે.

કોર્ટે જણાવ્યું હતું કે, પોલીસે કોઈ નક્કર પુરાવા શોધવાને બદલે જે સાંયોગીક પુરાવા હતા માત્ર તેમના પર આધાર રાખીને કેસની તપાસ કરી છે. કેસની તપાસ સાથે સંકળાયેલા પીએસઆઈ ચિદાનંદ સિંઘે કોર્ટમાં કબૂલ્યું હતું કે તેણે જાણવા પણ પ્રયાસ નહોતો કર્યો કે એફઆઈઆર કોની વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે.

પોલીસની અક્ષમ્ય બેદરકારીનો ભોગ બનનારા નરેન્દ્ર સિંહ અગાઉ શિક્ષક તરીકે કામ કરતા હતા. તેઓ સવાલ કરે છે કે, બધામાં મારા બાળકોનો શું વાંક હતો? તેમને કોના કારણે પાંચ વર્ષ સુધી અનાથની માફક રહેવું પડ્યું? તેમનો દીકરો અજીત અને દીકરી અંજુ તે વખતે એટલા નાના હતા કે કદાચ અત્યારે તેઓ તેમના મા-બાપને ઓળખી પણ નહીં શકે. નરેન્દ્ર સિંહની પત્નીએ મામલે પોલીસને પત્ર લખી પોતાના બાળકોને શોધવા મદદ કરવા માટે આજીજી કરી છે.

આંખમાં આંસુ સાથે નરેન્દ્ર સિંહ જણાવે છે કે અમારી ધરપકડ થઈ ત્યારથી અમે અમારા બાળકોને મળી નથી શક્યા. ૨૦૧૫માં ડિસ્ટ્રિક્ટ જજે દંપતીની જામીન અરજી પણ ફગાવી દીધી હતી. તેઓ હાઈકોર્ટમાં પણ ગયા હતા, પરંતુ વકીલોની ફી પોસાય તેમ ના હોવાથી તેમને હાઈકોર્ટમાં કેસ અધવચ્ચેથી પડતો મૂકવો પડ્યો હતો. દંપતીના વકીલ વંશો બાબુએ જણાવ્યું હતું કે, પોલીસે કોર્ટમાં કબૂલ્યું હતું કે બાળકની હત્યા બાદ લોકોમાં જોરદાર આક્રોશ ફાટી નીકળતા તેમણે પતિ-પત્નીની ધરપકડ કરી હતી. એટલું નહીં, પોલીસે ચાર્જશીટ પણ હકીકતોને ચકાસ્યા વિના ઉતાવળમાં દાખલ કરી દીધી હોવાનું પણ માન્યું હતું.

(12:00 am IST)
  • મહારાષ્ટ્ર: નાસિકની છાવણીથી મુંબઇના આઝાદ મેદાનમાં પહોંચ્યા ખેડૂતો : તેઓ દિલ્હીની સરહદ પર ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ આંદોલન કરનારા ખેડૂતોના સમર્થનમાં નાસિકથી મુંબઇ સુધી કૂચ કરી છે. access_time 9:44 pm IST

  • દેશમાં કોરોના થાક્યો:નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 12,914 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,06,68,356 થઇ :એક્ટિવ કેસ 1,81,673 થયા: વધુ 13,162 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,03, 28,738 થયા :વધુ 126 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,503 થયા access_time 11:57 pm IST

  • થાકેલા-હારેલા પાકિસ્તાને રશિયાની કોરોના વેકસીનને મંજૂરી આપી દીધી: પાકિસ્તાને રશિયાની સ્પૂટનીક ફાઈવ વેકસીનને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. access_time 4:42 pm IST